
પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના રૂની ગામની પરિણીતાને સાસરિયા પક્ષે શારીરિક અને માનસિક ત્રાસ આપી છૂટાછેડા લેવા દબાણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પાટણ મહિલા પોલીસે પતિ સહિત સાસરિયા પક્ષના પાંચ સભ્યો સામે ગુનો નોંધ્યો છે.
રૂની ગામની યુવતીના લગ્ન 11 ફેબ્રુઆરી 2023ના રોજ પાલનપુરના કનૈયાકુમાર માધવલાલ સાધુ સાથે થયા હતા. લગ્નના બીજા દિવસથી જ ઘૂંઘટ ઓઢવા જેવી બાબતોને લઈને મેણાં-ટોણાં મારવામાં આવતા હોવાનો આક્ષેપ છે. પતિ પોતાની મરજીથી લગ્ન ન થયા હોવાનું કહી માનસિક ત્રાસ આપતા હતા.
આરોપ મુજબ, સાસુ, સસરા, નણંદ અને દિયર પતિને પત્નીને પિયર મૂકી આવવા તથા બીજા લગ્ન કરાવવા માટે ચઢામણી કરતા હતા. ત્યારબાદ પતિ ફરવા જવાના બહાને પત્નીને પિયર મૂકી આવ્યા હતા અને ત્યારથી પરત લઈ ગયા નહોતા. પરિવારજનોના સંપર્ક તથા સામાજિક સમાધાનના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા.
આખરે પરિણીતાએ પતિ કનૈયાલાલ સાધુ, સસરા માધવલાલ સાધુ, સાસુ નીતાબેન સાધુ, નણંદ સેજલબેન સાધુ અને દિયર અલ્પેશ સાધુ સામે ફરિયાદ નોંધાવી છે. પાટણ મહિલા પોલીસે બી.એન.એસ. કલમ 85 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ