
વાપી, 12 સપ્ટેમ્બર (હિ.સ.)
ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજ ખાતે 31 ઓગસ્ટ, 2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત દ્વારા આયોજિત આંતર-કોલેજ કરાટે સ્પર્ધાના પુરુષ વિભાગમાં કેબીએસ-નટરાજ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ મેડલ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી હતી.
સ્પર્ધામાં F.Y.B.Com.ના વિદ્યાર્થી સચિન રાયે ગોલ્ડ મેડલ, F.Y.B.C.A.ના વિદ્યાર્થી કૃણાલ સુરવાડેએ સિલ્વર મેડલ, જ્યારે F.Y.B.Com.ના વિદ્યાર્થી મોહમ્મદ અલી શેખે બ્રોન્ઝ મેડલ જીતી કોલેજનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ કૌશલ્ય, દૃઢ નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીઓને કરાટે માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન રમત-ગમતના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ તેમજ રમતના સહાયક શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ, મેનેજમેન્ટ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓના નોંધપાત્ર પ્રદર્શનની પ્રશંસા કરી ભવિષ્યની સ્પર્ધાઓમાં પણ તેઓ સતત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha