
ચોરી બાદ ચોર વાલિયા, ઝઘડિયા અને રાજપારડી વિસ્તારમાં ફરતો હતો
જૂની બેગ, રેઇનકોટ અને મોજા ધારોલી-પડવાણીયા બાવળની ઝાડીઓમાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
છ વર્ષથી પીયુષ જનરલમાંથી માલસામાન ખરીદતો હોય સવારના સમયે રોકડ રકમ હોવાની જાણકારી હતી
ભરૂચ 12 સપ્ટેમ્બર (હિ.સ.)
ભરૂચ એલસીબી ટીમે એક મોટું ઓપરેશન પાર પાડીને સફળતા મેળવી છે. એલસીબી પોલીસે કાર્યવાહી કરીને રાજપારડીની દુકાનમાં થયેલ ચોરીના આરોપી પાસેથી 3 હજારના મોબાઈલ ફોન સહિત ચોરીનો કુલ 12.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજપારડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.
રાજપારડીમાં 17 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, વેપારી પાસેથી જ સામાન ખરીદતો આરોપી ચોરીમાં ઝડપાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં પીયૂષ જનરલ સ્ટોર્સમાંથી થયેલી 17 લાખની રોકડા રૂપિયાની ચોરીનો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે.
રાજપારડી ચાર રસ્તા નજીક આવેલી પીયૂષ જનરલ સ્ટોર્સ નામની બીડી, સિગારેટ અને પાન પડીકીની જથ્થાબંધ દુકાનમાંથી 9 સપ્ટેમ્બરની વહેલી સવારે અજાણ્યો ઇસમ શટર ખોલીને રૂપિયા 17 લાખ રોકડ ભરેલી બેગ લઇ ફરાર થયો હતો. ઘટનાને પગલે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીનો ભેદ ઉકેલવા ભરૂચ એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન એલસીબી પીએસઆઇ વી.પી. મલ્હોત્રાની ટીમને બાતમી મળી હતી કે વેલુગામનો મોહંમદ ઈર્ષાદખાન દિલાવર મલેક નામનો ઇસમ બાઇક પર બેગ લટકાવી રાજપારડી ચાર રસ્તા વિસ્તારમાં ફરી રહ્યો છે અને ચોરીમાં તેની સંડોવણી હોવાની શંકા છે.
બાતમીના આધારે પોલીસે ટ્રેપ ગોઠવી શંકાસ્પદ ઇસમને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
વેલુગામ ખાતે મોહંમદ ઈર્ષાદખાન દિલાવર મલેક
‘એકતા પ્રોવિઝન સ્ટોર’ નામે દુકાન ચલાવે છે. ધંધો ન ચાલતા તેના પર દેવું થયું હતું અને ઈકો ગાડીના હપ્તા પણ બાકી હતા. દેવામાંથી બહાર નીકળ એમએમવા માટે તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લા છ વર્ષથી પીયૂષ જનરલ સ્ટોરમાંથી પોતાની દુકાન માટે માલસામાન ખરીદતો હતો. જેના કારણે તેને દુકાન અને ત્યાં સવારના સમયે રોકડ રકમ હોવાની જાણકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઓળખ ન થાય તે માટે આરોપીએ વહેલી સવારે રેઇનકોટ પહેરી, હાથમાં મોજા અને મોં પર રૂમાલ બાંધી ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરી બાદ આરોપી વાલિયા, ઝઘડિયા અને રાજપારડી વિસ્તારમાં ફરતો રહ્યો હતો. ત્યારબાદ વાલિયાથી નવી બેગ ખરીદી ચોરીની રકમ જૂની બેગમાંથી નવી બેગમાં ભરી હતી. જૂની બેગ, રેઇનકોટ અને મોજા ધારોલી-પડવાણીયા રોડ પર બાવળની ઝાડીઓમાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપી પાસેથી રૂપિયા 12.31 લાખ રોકડા, રૂપિયા 20 હજારની કિંમતની એક મોટરસાઇકલ અને રૂપિયા 3 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 12.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એમ.પી. વાળા અને પીએસઆઇ વી.પી. મલ્હોત્રાની ટીમે આ સમગ્ર તપાસ હાથ ધરી હતી.
ભરૂચ એલસીબીના એમ.પી. વાળા તથા પીએસઆઈ વી.પી. મલ્હોત્રાની ટીમે આ સમગ્ર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.આ સફળ કામગીરીમાં એલસીબી સ્ટાફના કર્મચારીઓ તકદીરસિંહ પરમાર, શ્રીપાલસિંહ ગોહીલ, વિશાલ વેગડ અને વિજય આહીરે ઉત્કૃષ્ટ ટીમવર્ક દર્શાવી મહત્વની ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ