
સોમનાથ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે, શ્રાવણી અમાસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિનો અફાટ સાગર ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી જ શિવભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. શ્રાવણના અંતિમ દિને સોમનાથ દાદાના દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા 1.24 લાખ જેટલા ભાવિકો પધાર્યા હતા. આખો દિવસ મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ મંદિર પરિસરમાં આખો દિવસ વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદનો ગુંજારવ રહ્યો હતો. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં જપાત્મક, અભિષેકાત્મક, અને હોમાત્મક પૂજાઓ સંપૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ હતી. શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલી પૂજાના આંકડાઓ ભક્તિની સાક્ષી પૂરે છે. સોમનાથના ગગનચુંબી શિખર પર ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ૬૧ ધ્વજા પૂજા અર્પણ કરવામાં આવી હતી, શાસ્ત્રોક્ત વિધિથી ૬૯ સોમેશ્વર મહાપૂજા સંપન્ન થઈ હતી. ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞમાં ૧૯,૦૦૦ થી વધુ આહુતિઓ હોમવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને યજ્ઞમય બની ગયું હતું.
ડાક-ડમરુ અને શરણાઈના સુર વચ્ચે જ્યારે સોમનાથ દાદા પાલખીમાં બિરાજમાન થઈને પરિસરમાં વિહાર કરવા નીકળ્યા, ત્યારે ઉપસ્થિત ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા અને દેવાધિદેવની એક દિવ્ય ઝલક પામીને કૃતાર્થ થયા હતા.
શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન, પકવાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવેલા.
આ શ્રૃંગારનો આધ્યાત્મિક સંદેશ એવો છે કે જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે તેજ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી જીવવાનો ઉત્સાહ જાળવી રાખે છે. ત્યારે જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવુ એજ મનુષ્યનું કર્મ છે આ સંદેશ અન્નકૂટ શ્રૃંગારના માધ્યમથી ભક્તોએ ગ્રહણ કર્યો હતો.
આમ, ભક્તિના આ પ્રચંડ ધોધ સાથે આ વર્ષના પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ શ્રી સોમનાથ તીર્થમાં અત્યંત દિવ્ય, ભવ્ય અને મંગલમય વાતાવરણમાં થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ