
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદ
શહેરના મણીનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ
અને હથિયારધારા સહિતના ગંભીર ગુનામાં આરોપી રહેલો અને કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા બાદ
કાનૂની કાર્યવાહી દરમિયાન હાજર ન રહેતા
વોરંટવાળો આરોપી માધવપુર માંથી ઝડપાયો છે. જુનાગઢ
રેન્જ પોલીસ ટીમે આરોપીને તેના રહેણાક મકાનેથી
ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે માધવપુર
પોલીસને સોંપ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, અમદાવાદ જિલ્લાના મણીનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002માં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી રમેશભાઈ ઉર્ફે મસાણીયો બીજલભાઈ વાઘેલા, રહે. માધવપુર, પોરબંદર, કોર્ટ માંથી જામીન પર મુક્ત થયો હતો. જામીન બાદ આરોપી અદાલતની કાનૂની કાર્યવાહી દરમિયાન હાજર ન રહેતા
કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું હતું. ત્યારબાદ
આરોપી ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોવાનું પોલીસ
તપાસમાં સામે આવ્યું હતું. જુનાગઢ રેન્જના નાયબ
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની
સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના
માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જી. ચુડાસમા, બી.ડી.માવદીયા તથા સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ચોક્કસ બાતમી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી
માધવપુરમાં હોવાનું જાણવા મળતા ટીમે તેના રહેણાક
મકાનેથી તેને ઝડપી પાડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya