
પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર શાક માર્કેટ નજીકથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા દિલીપ શાંતીલાલ જીવરાદાસ ભાટીયા (38)ને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. તે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શાક માર્કેટ આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો દિલીપ ભાટીયા પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં લાઇવ સ્કોર જોઈ મેચના સેશન્સ પર સટ્ટો રમતો મળી આવ્યો હતો.
પોલીસે પંચોની હાજરીમાં તેના વીવો Y-51 5G મોબાઈલની તપાસ કરતા ગૂગલ ક્રોમમાં NAMAN EXCH9.com વેબસાઈટ ખુલ્લી મળી હતી. આઈડીમાં રૂ. 35,690નું બેલેન્સ દેખાતું હતું અને મેચ પર સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે પોલીસે રૂ. 10,500નો મોબાઈલ ફોન અને સટ્ટા અંગેના 5 પેજના સ્ક્રીનશોટ્સ જપ્ત કર્યા છે. સમગ્ર કાર્યવાહીની ઈ-સાક્ષ્ય એપ્લિકેશનથી વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.
પોલીસે દિલીપ ભાટીયા વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12A હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિક્રમ જાદવને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ