


પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં વિંગ કમાન્ડર કૃષ્ણ કુમાર શુક્લા (નિ.) દ્વારા પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી હેઠળના માજી સૈનિકોની વિગતો તેમજ ગત ત્રિમાસિક સમયગાળા દરમિયાન કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે કલેક્ટરને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના વધુમાં વધુ નવયુવાનો સશસ્ત્ર સેનામાં જોડાવા માટે પ્રેરિત થાય અને દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાય તે હેતુથી પોરબંદર શહેરમાં ‘વીર મેમોરિયલ’ બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી લઈ, તેમના સમયબદ્ધ અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી. આર. પરમાર, જિલ્લા રોજગાર અધિકારી ડી. એ. પરમાર, પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya