
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાયેલા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે હેઠળ જામનગર જિલ્લામાં ખરીફ–૨૦૨૬ સિઝનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોના દરેક જમીન ખાતા અને સર્વે નંબર મુજબ વાવેતર થયેલા પાકની ચોક્કસ વિગતો જીઓ ટાગિંગ (GT) સાથે મેળવવા માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી પૂર્ણ કરવા માટે આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સમયસર નોંધણી પૂર્ણ થાય તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલમાં જામનગર જિલ્લાના તમામ ગામોમાં આ સર્વેક્ષણ પ્રક્રિયા ચાલુ છે. જ્યારે સ્થાનિક VCE અથવા સર્વેયર ખેતર કે સર્વે નંબર પર સર્વેની કામગીરી માટે આવે ત્યારે ખેડૂતોએ તેમને પૂરતો સહકાર આપી પોતાના તમામ સર્વે નંબરોનું રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત, જે ખેડૂતોએ અગાઉ ફાર્મર રજીસ્ટ્રેશન પૂર્ણ કરેલું છે, તેઓ ‘ડિજિટલ ક્રોપ સર્વે-ગુજરાત’ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાની જાતે પણ સર્વે કરી શકે છે.
ખેતી વિષયક સરકારી યોજનાઓ અને ચોક્કસ આંકડાકીય માહિતી મેળવવા માટે આ પ્રક્રિયા અત્યંત મહત્વની હોવાથી તમામ ખેડૂતોને સમયસર આ કામગીરી પૂર્ણ કરવા જામનગર જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt