



પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર જિલ્લાના જાવર ગામ ખાતે ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા વધુ સુદૃઢ, સુવ્યવસ્થિત અને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આશરે રૂ. 1 કરોડ 3 લાખ 88 હજારના ખર્ચે વિવિધ વિકાસ કામોનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જાવર ગામમાં પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવા હાથ ધરાનારા આ વિવિધ કામો અંતર્ગત અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ, 1 લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી, પંપ રૂમ તેમજ પમ્પિંગ મશીનરીની સુવિધા ઊભી કરવામાં આવશે. આ માળખાકીય સુવિધાઓના નિર્માણથી ગામમાં પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં વધુ સુદૃઢતા આવશે તેમજ ગ્રામજનોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.જાવર ગામ ખાતે પીવાના પાણીની સુવિધા માટે હાથ ધરવામાં આવનાર આ કામગીરીથી પાણીના સંગ્રહ માટેની ક્ષમતામાં વધારો થશે. સાથે જ પમ્પિંગ મશીનરી અને પંપ રૂમની સુવિધા ઉપલબ્ધ થવાથી પાણીના વિતરણની સમગ્ર વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે. પરિણામે ગ્રામજનોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ પાણીની સુવિધા વધુ સુગમ બનવાની અપેક્ષા છે.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, ડે. મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, અગ્રણી સર્વ સામતભાઈ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, લખમણભાઇ ઓડેદરા સહિત સ્થાનિક કોર્પોરેટરો, આગેવાનો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya