
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપી, અસરકારક અને ન્યાયિક નિવારણ લાવવાના હેતુથી આગામી તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે. પ્રાંત કચેરી, ધ્રોલના મીટિંગ હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમનું અધ્યક્ષપદ મુખ્ય કારોબારી અધ્યક્ષ (જાડા, જામનગર) સંભાળશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મથાળા હેઠળ જરૂરી પૂરાવા સાથે પોતાની અરજી તા.૧૮ સપ્ટેમ્બર સુધીમાં ધ્રોલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મોકલી આપવાની રહેશે.
અરજી કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. જો પ્રશ્ન ગ્રામ પંચાયત કક્ષાનો હોય તો તલાટી કમ મંત્રી કે ગ્રામસેવકને અને તાલુકા કક્ષાનો હોય તો સંબંધિત તાલુકા અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. આ કાર્યક્રમ હેઠળ માત્ર તાલુકા કક્ષાના અધિકારીઓના ક્ષેત્રમાં આવતા જ પ્રશ્નો ધ્યાને લેવાશે.
અરજદારે પોતે રૂબરૂ ઉપસ્થિત રહીને એક જ વિષયને લગતી વ્યક્તિગત રજૂઆત કરવાની રહેશે, સામુહિક રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ધ્રોલ મામલતદાર દ્વારા તાલુકાના તમામ નાગરિકોને આ લોકઉપયોગી કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt