જામનગરના ધ્રોલના જાયવા ગામમાં પતિએ મેળામાં જવાની ના પાડતાં પત્નીનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. ધ્રોળ ખાતે યોજાયેલા લોકમેળામાં જવા બાબતે પતિ સાથે થયેલી બોલાચાલી અને તેના કારણે મળેલા ઠપકાથી મનમાં અત્યંત માઠું લાગી આવતાં એ
આપઘાત મોત


જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. ધ્રોળ ખાતે યોજાયેલા લોકમેળામાં જવા બાબતે પતિ સાથે થયેલી બોલાચાલી અને તેના કારણે મળેલા ઠપકાથી મનમાં અત્યંત માઠું લાગી આવતાં એક 46 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવનલીલા સંતોષી લીધી છે.

તહેવારો અને ઉત્સવના માહોલ વચ્ચે સર્જાયેલા આ કરુણ બનાવે સમગ્ર જાયવા ગામમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા આ ઘટના અંગે જરૂરી ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતવાર માહિતી અનુસાર, જાયવા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતા કોકીલાબેન ધીરજલાલ પરમાર ધ્રોળમાં ભરાયેલા મેળામાં જવા ઈચ્છતા હતા. આ બાબતે તેમને પોતાના પતિ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. દરમિયાન પતિએ તેમને મેળામાં જવા અંગે ઠપકો આપ્યો હતો. પતિના આ ઠપકાથી કોકીલાબેન માનસિક રીતે ખૂબ જ દુભાયા હતા અને તેમને આ વાતનું ખૂબ માઠું લાગી આવ્યું હતું.

આવેગમાં આવીને તેમણે પોતાના ઘરના રૂમમાં પંખાના હૂક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં જ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી અને તેમને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ધ્રોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

ધ્રોળ પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી બનાવ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ આરંભી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande