જામનગરના હાપા રેલવે સ્ટેશન પર વીજ થાંભલા પરથી નીચે પટકાતાં તેલંગાણાની મહિલાનું મોત
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર નજીક આવેલા હાપા રેલવે સ્ટેશન પર માનસિક સંતુલન ગુમાવી બેઠેલી એક મહિલા વીજ થાંભલા પરથી નીચે પટકાતાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલી આ મહિલાએ અચાનક દોડ મૂકીને રેલવે સ્ટેશ
આપઘાત મોત


જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર નજીક આવેલા હાપા રેલવે સ્ટેશન પર માનસિક સંતુલન ગુમાવી બેઠેલી એક મહિલા વીજ થાંભલા પરથી નીચે પટકાતાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલી આ મહિલાએ અચાનક દોડ મૂકીને રેલવે સ્ટેશન નજીકના વીજ થાંભલા પર ચડી જતાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા તેને નીચે ઉતારવાના પ્રયાસો થાય તે પહેલાં જ મહિલા નીચે પડી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.

આ બનાવની મળતી વિગતો અનુસાર, તેલંગાણાથી ત્રણ મહિલાઓ દ્વારકા દર્શન માટે આવી હતી. દ્વારકાથી દર્શન કરીને પરત ફર્યા બાદ તેઓ ટ્રેન મારફતે હાપા રેલવે સ્ટેશન પહોંચી હતી અને વતન જવા માટેની ટ્રેનની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ચીરલા રેણુકમ્મા (55) નામના મહિલાએ અચાનક માનસિક સંતુલન ગુમાવ્યું હતું. દ્વારકાથી હાપા સુધીની ટ્રેન મુસાફરી દરમિયાન પણ તેઓ કૂદી જવાની વાતો કરતા હોવાથી સાથેની મહિલાઓએ તેમને પકડી રાખ્યા હતા.

હાપા સ્ટેશન પહોંચીને સાથી મહિલાઓએ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી મહિલાને સાથે રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડો સમય શાંત રહ્યા બાદ સાંજે સાત વાગ્યાના અરસામાં મહિલાએ અચાનક દોડીને સ્ટેશન નજીકના વીજ થાંભલા પર ચડવાનું શરૂ કરી દીધું હતું. મહિલા ઉપર સુધી ચડી જતાં લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

પરંતુ, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ મહિલા થાંભલા પરથી નીચે પટકાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. રેલવે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના વતન મોકલવા માટે સાથી મહિલાઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande