જામનગર જિલ્લામાં ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે 9મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નો શુભારંભ
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં પોષણના સૂચકાંકોમાં સુધારો લાવવા તથા પોષણ પ્રત્યે લોકજાગૃતિ વધાર
રાષ્ટ્રીય પોષણ માહ


જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં પોષણના સૂચકાંકોમાં સુધારો લાવવા તથા પોષણ પ્રત્યે લોકજાગૃતિ વધારવાના ઉદ્દેશથી 'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ હેઠળ એક માસ સુધી વ્યાપક જન અભિયાન હાથ ધરવામાં આવશે.

આ રાષ્ટ્રીય પોષણ માહના સઘન અને સુચારૂ આયોજન માટે જામનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાએ ૯મા રાષ્ટ્રીય પોષણ માહનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. તેમણે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને આપસમાં યોગ્ય સંકલન સાધીને નક્કી કરાયેલી તમામ પ્રવૃત્તિઓની સક્રિય રીતે ઉજવણી કરવા પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

એક મહિના સુધી ચાલનારા આ પોષણ માસ દરમિયાન જિલ્લાની આંગણવાડીઓમાં બાળકોને પર્યાપ્ત પ્રોટીન અને આહારની વિવિધતા પૂરી પાડવી, સમાજમાં સામુદાયિક માલિકીપણું અને જવાબદારીની ભવના કેળવવી, બાળપણના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ તેમજ પ્રારંભિક ઉત્તેજન આપવું અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય સુનિશ્ચિત કરવા જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, આ જન અભિયાન અંતર્ગત સમગ્ર જામનગર જિલ્લાભરમાં સ્વાસ્થ્ય મેળાઓ, પૌષ્ટિક અને વૈવિધ્યસભર રેસિપીઓનું પ્રદર્શન, આંગણવાડી ખાતે સાપ્તાહિક મેનુ રોટેશન, ગરમ રાંધેલા ભોજનનું નિદર્શન તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ૧૦૦ ટકા નોંધણી સુનિશ્ચિત કરવા માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.

બેઠકના અંતમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવતા 'પોષણ શપથ' પણ લેવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર ડો. નૂપુર પ્રસાદ, સીડીપીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, સમાજ કલ્યાણ અધિકારી અને મુખ્ય સેવિકાઓ સહિતના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande