
મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન ઉજવાતા ‘આત્મહત્યા નિવારણ સપ્તાહ’ અંતર્ગત મહેસાણા સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય અને પરીક્ષાના તણાવ અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં તણાવ, ચિંતા અને ભવિષ્ય અંગેની મૂંઝવણને ધ્યાનમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા જનરલ હોસ્પિટલના સાયકોલોજી વિભાગના ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ અલ્કેશભાઈ ભાવસારે વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણનો સામનો કરવા, માનસિક તણાવનું વ્યવસ્થાપન કરવા અને નિષ્ફળતાને હકારાત્મક રીતે સ્વીકારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં મળેલા ગુણ કે કોઈ એક સફળતા-નિષ્ફળતા જીવનની અંતિમ કસોટી નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત જાળવી રાખવી અને જરૂર પડે ત્યારે પરિવાર, મિત્રો કે નિષ્ણાત સાથે વાત કરવી જરૂરી છે.
કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલના સોશિયલ વર્કર કૃષ્ણમૂર્તિ શ્રીમાળી પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓ સાથે નિષ્ણાતોએ મુક્ત સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ અભ્યાસનું ભારણ, એકાગ્રતાની સમસ્યા અને ભવિષ્ય અંગેની ચિંતા જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના વ્યવહારુ જવાબો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગ્રંથપાલ ભગવતી પ્રજાપતિ, જિલ્લા પુસ્તકાલયના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR