
મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત ‘શ્રી વાળીનાથ ગુરુકુળ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન વાળીનાથના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે શિક્ષણ અને સંસ્કારના સમન્વયને વિકસિત ભારત માટે જરૂરી ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાળીનાથ ધામ રબારી સમાજની ભક્તિ, શક્તિ અને ઉન્નતિનું પ્રતીક છે. 900 વર્ષ જૂની વિરાસત સાથે હવે શૈક્ષણિક પ્રકલ્પનો ઉમેરો થયો છે. ‘વિકાસ પણ, વિરાસત પણ’ના ધ્યેય સાથે વાળીનાથ ધામ જ્ઞાનના કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુરુકુળમાં 200 જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારી કરી રહ્યા હોવાનું પણ જણાવાયું હતું. ધોરણ 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મફત પુસ્તકોનું વિતરણ અને ગાંધીનગરમાં કન્યા કેળવણી જેવા કાર્યોની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે યુવાનોને મોબાઈલથી દૂર રહી શારીરિક રમતો તરફ વળવા અને વ્યસનમુક્તિના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વાળીનાથ ધામ સમગ્ર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તોની સુવિધા માટે સોલર અને ઇલેક્ટ્રિકલ કામગીરી માટે ₹2.68 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. કાર્યક્રમમાં મહંત જયરામગીરીજી સહિત સંતો, આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR