
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) વિદેશ મંત્રાલયના સહયોગથી ગ્લોબલ સાઉથની રાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ (એનએચઆરઆઈ)ના વરિષ્ઠ અધિકારીઓ માટે છ-દિવસીય વિશેષ ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કરશે. ભારતીય તકનીકી અને આર્થિક સહયોગ (આઈટીઈસી) હેઠળ આયોજિત આ કાર્યકારી કાર્યક્રમ 14 થી 19 સપ્ટેમ્બર સુધી નવી દિલ્હીમાં ચાલશે. એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ વી. રામસુબ્રમણ્યમ સોમવારે આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.
એનએચઆરસી અનુસાર, આ છ-દિવસીય કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય સહભાગી દેશોની માનવાધિકાર સંસ્થાઓની કાર્યક્ષમતાને સુદૃઢ કરવી તથા માનવાધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવોનું પરસ્પર આદાનપ્રદાન કરવું છે. આયોગ દ્વારા અગાઉ આયોજિત ચાર આઈટીઈસી ક્ષમતા નિર્માણ કાર્યક્રમોમાંથી મળેલા ફીડબેક અને સહભાગી સંસ્થાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિશેષ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ તાલીમ સંમેલનમાં, 15 દેશોની રાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓમાંથી 41 વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
તાલીમ સત્રો દરમિયાન આંતરરાષ્ટ્રીય માનવાધિકાર માળખાના વિકાસ, સમકાલીન માનવાધિકાર પડકારો, માનવાધિકાર અને વેપાર, નવી તકનીકોના પ્રભાવ તથા ટકાઉ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન વિચારવિમર્શ થશે. આ ઉપરાંત, વૈશ્વિક માનવાધિકાર પરિપ્રેક્ષ્યમાં એનએચઆરસીની કાર્યપ્રણાલી, ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી અને તપાસ તંત્રની વ્યવહારિક જાણકારી પણ વિદેશી પ્રતિનિધિઓ સાથે શેર કરવામાં આવશે.
એનએચઆરસી તેના ત્રણ દાયકાથી વધુના સમૃદ્ધ સંસ્થાકીય અનુભવોના આધારે ગ્લોબલ સાઉથના દેશોમાં માનવાધિકારોની હિમાયત, કાયદાઓના અસરકારક અમલીકરણ અને સંસ્થાકીય મજબૂતી માટે સહિયારા સહયોગને પ્રોત્સાહન આપશે. કાર્યક્રમમાં સંબંધિત વિષયોના નિષ્ણાતો રિસોર્સ પર્સન તરીકે માર્ગદર્શન આપશે. વ્યાખ્યાનો ઉપરાંત સહભાગી અધિકારીઓ માટે વ્યવહારિક સંવાદ સત્રો, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ફિલ્ડ વિઝિટનું પણ પ્રબંધ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ