
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય રેલવેએ ઓગસ્ટ મહિના દરમિયાન મુસાફર જોડાણ અને નૂર પરિવહન ક્ષમતા બંનેમાં નોંધપાત્ર વિસ્તરણ નોંધાવ્યું છે. ઓગસ્ટ માસમાં રેલવેએ કુલ 137.9 મિલિયન ટન માલનું પરિવહન કર્યું, જે ઓગસ્ટ 2025ના 130.9 મિલિયન ટનની સરખામણીમાં 5.4 ટકા વધુ છે. આ સાથે જ આ સમયગાળામાં રેલવેના નૂર પરિવહન આવકમાં 6.27 ટકાનો વધારો નોંધાયો.
રેલ મંત્રાલય અનુસાર, પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લોહ અયસ્કના લોડિંગમાં 12.1 ટકા, ક્લિંકરમાં 10.4 ટકા, ઘરેલું કન્ટેનર પરિવહનમાં 9.2 ટકા અને કોલસાના પરિવહનમાં 6 ટકાનો વધારો નોંધાયો. આ ઉપરાંત તૈયાર સ્ટીલ (ફિનિશ્ડ સ્ટીલ) માં 4.9 ટકા, ખનિજ તેલમાં 3.1 ટકા, ખાતરમાં 1.6 ટકા અને અન્ય બાકીની વસ્તુઓના લોડિંગમાં 8.2 ટકાનો વધારો થયો.
ઉદ્યોગોને અંતિમ છેડા સુધી ઝડપી અને સરળ નૂર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ઓગસ્ટ માસમાં 5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (જીસીટી) ચાલુ કરવામાં આવ્યા. આ સાથે જ 31 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં ચાલુ ગતિ શક્તિ ટર્મિનલોની કુલ સંખ્યા વધીને 149 પર પહોંચી ગઈ છે. આ નવા ટર્મિનલ ગુજરાતના શિવલખા, તમિલનાડુના નલ્લી, ઉત્તર પ્રદેશના શક્તિનગર, મધ્ય પ્રદેશના દેવરાગ્રામ અને ઓડિશાના બ્રજરાજનગરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સામાન્ય મુસાફરોને સસ્તો અને આરામદાયક મુસાફરી વિકલ્પ ઉપલબ્ધ કરાવવા માટે ઓગસ્ટમાં 14 વિશેષ અમૃત ભારત સેવાઓને નિયમિત ટ્રેનોમાં રૂપાંતરિત કરવામાં આવી. આ સાથે જ દેશમાં નિયમિત અમૃત ભારત સેવાઓની કુલ સંખ્યા વધીને 86 થઈ ગઈ છે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા મુખ્ય રાજ્યોને એકબીજા સાથે જોડે છે.
નિયમિત કરાયેલી મુખ્ય સેવાઓમાં સુબેદારગંજ-લોકમાન્ય ટિળક ટર્મિનસ, ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ, ગોરખપુર-દિલ્હી જંકશન, અમદાવાદ-ભાગલપુર, લોકમાન્ય ટિળક ટર્મિનસ-પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ જંકશન-ઉધના જંકશન અને ધનબાદ-કોયંબતુર રૂટનો સમાવેશ થાય છે. આ સેવાઓથી પૂર્વાંચલ, બિહાર અને ઝારખંડના ઔદ્યોગિક અને પ્રવાસી કામદારોને મુંબઈ, ગુજરાત અને દક્ષિણ ભારત માટે સીધી અને સસ્તી મુસાફરી સુવિધા મળશે.
મુસાફર ટ્રાફિકના આંકડા અનુસાર, ભારતીય રેલવેએ ઓગસ્ટમાં 67.27 કરોડ મુસાફરોને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા, જ્યારે ઓગસ્ટ 2025માં આ આંકડો 64.43 કરોડ હતો. આમાં ઉપનગરીય (લોકલ) રેલ નેટવર્કે 9.02 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી, જ્યાં ઉપનગરીય મુસાફરોની સંખ્યા 34.89 કરોડથી વધીને 38.01 કરોડ થઈ ગઈ. જ્યારે, રક્ષાબંધનના તહેવારી સિઝન દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ 25 થી 31 ઓગસ્ટની વચ્ચે 144 વિશેષ ફેરા સંચાલિત કર્યા, જ્યારે પાછલા વર્ષે આ સમયગાળામાં ફક્ત 48 વિશેષ ફેરા ચલાવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ