
ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના ખેડૂત બારૈયા જયસુખભાઈએ પરંપરાગત ખેતીથી આગળ વધીને બાગાયતી પાક તરફ વળીને નવીન ખેતી પદ્ધતિ અપનાવી છે. અગાઉ તેઓ કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરતા હતા, પરંતુ ખેતી ખર્ચમાં વધારો અને પાકમાં થતા રોગ-જીવાતના કારણે યોગ્ય વળતર મેળવવામાં મુશ્કેલી પડતી હોવાથી તેમણે સરગવાની ખેતી કરવાનો નિર્ણય કર્યો.
જયસુખભાઈએ ગત વર્ષે પોતાના ખેતરમાં સરગવાનું વાવેતર કર્યું હતું. જોકે, વધુ પડતા વરસાદના કારણે સરગવાના પાકને નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવા છતાં તેમણે હિંમત હારી નહીં અને ચાલુ વર્ષે ફરીથી સરગવાનું વાવેતર કર્યું છે. હાલમાં તેમણે સાતથી આઠ વીઘા જમીનમાં સરગવાની ખેતી કરી છે.
સરગવાના છોડની હરોળ વચ્ચેની ખાલી જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે તેઓ વિવિધ શાકભાજી પાકોનું પણ વાવેતર કરે છે. આ મિશ્ર પાક પદ્ધતિથી એક જ ખેતરમાંથી બે પ્રકારની આવક મેળવવાનો માર્ગ બન્યો છે. સરગવાનો પાક તૈયાર થવામાં સમય લાગતો હોવાથી વચ્ચે ઉગાડવામાં આવતા શાકભાજી પાકમાંથી વહેલી રોકડી આવક મેળવી શકાય છે.
ખેડૂત જયસુખભાઈના જણાવ્યા મુજબ, સરગવામાં વાવેતર બાદ પાંચથી છ મહિના પછી ફ્લાવરિંગ આવવાની શરૂઆત થાય છે. ચાલુ વર્ષે ફ્લાવરિંગ પણ સારું હોવાથી તેમને સારા ઉત્પાદનની આશા છે. એક વીઘામાંથી રૂ. 1 લાખથી રૂ. 1.25 લાખ કે તેથી વધુ આવકની અપેક્ષા છે, જ્યારે અંદાજે રૂ. 15થી 20 હજાર જેટલો ખર્ચ થાય છે. આગામી સમયમાં તેઓ ખેતરની વચ્ચે ટામેટાં સહિત અન્ય શાકભાજીનું વાવેતર કરી વધારાની આવક મેળવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA