


- એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ, બાળકોનું રેસ્કયું
- શહેરના પશ્ચિમના પોશ વિસ્તાર જળબંબાકાર
- 2 કલાકમાં વટવા-લાંભામાં 5 ઇંચ
અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સતત ચાર કલાક સુધી વરસતા શહેરમાં સરેરાશ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અઢી ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક મુખ્ય રસ્તાઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 43 દિવસ બાદ ફરી એકવાર વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાયા છે.
બોપલ અને શેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. શેલા રોડ પર તો નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં આજે કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
શહેરમાં સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઇંચ વરસાદ પડ્યો છે. પેલા બે કલાકમાં અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
માત્ર બે કલાકમાં વટવા અને લાંભામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શેલામાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ.
શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
સમગ્ર એસ.જી. હાઈવે પર અંધારપાટ છવાઈ જવાના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને નોકરી-ધંધે જતાં લોકો અટવાયા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો.
આ ઉપરાંત નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોને ફિલ્ડમાં નીકળવા માટેની મેયરે સૂચના આપી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ