
ભાવનગર,14 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, પાલિતાણા ખાતે બાળકોમાં પર્યાવરણ જાગૃતિ કેળવવા માટે નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. **‘પ્લાસ્ટિક મુક્ત શાળાથી પ્લાસ્ટિક મુક્ત પાલિતાણા’**ના અભિગમ સાથે શાળામાં પ્લાસ્ટિક બેંક શરૂ કરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી આડઅસરો અંગે સમજ આપવામાં આવી રહી છે.
પ્લાસ્ટિક બેંકમાં વિદ્યાર્થીઓ પોતાના ઘર કે આસપાસમાંથી મળતી નાની પ્લાસ્ટિક બોટલો તેમજ અન્ય વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરાવે છે. બેંકમાં નાણાંની લેવડદેવડની પાસબુકની જેમ જ પ્લાસ્ટિક બેંક માટે વિદ્યાર્થીઓને વિશેષ બુક આપવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિક જમા કરાવ્યાની નોંધ કરવામાં આવે છે. આથી બાળકોમાં નિયમિતતા, જવાબદારી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વિકસે છે.
એકત્રિત પ્લાસ્ટિકનો કચરા તરીકે નિકાલ કરવાને બદલે તેનો સુશોભન માટે ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકથી ભરેલી બોટલોને રંગ અને વિવિધ ડિઝાઇનથી સજાવી તેમાંથી આકર્ષક તોરણ તેમજ શાળાના સુશોભનની વસ્તુઓ તૈયાર કરશે. જેના કારણે સર્જનાત્મકતા અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની ભાવના વિકસશે.
પ્લાસ્ટિક જમા કરાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ઉપયોગી સ્ટેશનરી ગિફ્ટ આપવામાં આવશે. જ્યારે ઓછો પ્લાસ્ટિક વાપરનારા વિદ્યાર્થીઓને નમોકાર ફાઉન્ડેશન દ્વારા કાપડની થેલીઓ આપવામાં આવશે.
પ્રયોગના પ્રથમ બે દિવસમાં જ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક ભરેલી 50 બોટલો જમા કરાવી છે. આ સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન ઇનોવેટિવ શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA