
ભાવનગર,14 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી દ્વારા ‘ઇકો બ્રિક્સ’ કચરામાંથી કંચન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ સાથે તેના પુનઃઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ઇકો બ્રિક્સ બનાવવા માટે એક લિટરની પ્લાસ્ટિક બોટલમાં પ્રતિબંધિત અથવા કચરામાં જતા પ્લાસ્ટિકને યોગ્ય રીતે ભરીને તેને મજબૂત રીતે પેક કરવાની રહેશે. ત્યારબાદ તૈયાર થયેલી ઇકો બ્રિક્સ બોટલને પોતાના વિસ્તારની સંબંધિત વોર્ડ કચેરી ખાતે જમા કરાવી શકાશે.
નાગરિકોને આ અભિયાનમાં જોડાવા પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. જે નાગરિક 30 ઇકો બ્રિક્સ બોટલ જમા કરાવશે તેમને રૂ.100નું પ્રોત્સાહનરૂપ વળતર આપવામાં આવશે.
અભિયાનનો મુખ્ય હેતુ પ્રતિબંધિત પ્લાસ્ટિકને ખુલ્લામાં કે જાહેર સ્થળોએ ફેંકાતું અટકાવવાનો છે. સાથે જ પ્લાસ્ટિકનો યોગ્ય સંગ્રહ, પુનઃઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરમાંથી નીકળતા પ્રતિબંધિત પ્લાસ્ટિકને કચરામાં ફેંકવાને બદલે ઇકો બ્રિક્સના સ્વરૂપમાં એકત્ર કરે અને નજીકની વોર્ડ કચેરી ખાતે જમા કરાવે. નાગરિકોની નાની પહેલ ભાવનગરને સ્વચ્છ, સુંદર અને હરિત બનાવવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA