
ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અંતર્ગતના સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા “સુરક્ષા–ભૂકંપ પૂર્વતૈયારી, ભૂકંપીય જોખમ મૂલ્યાંકન અને માઇક્રોઝોનેશન” અંગેની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા ભૂકંપ સમયે, ભૂકંપ પહેલા અને ભૂકંપ બાદ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના દ્રષ્ટિવંત નેતૃત્વ અને જનસેવાની ઉજવણીરૂપ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત યોજાયેલી આ કાર્યશાળા થકી તાલાલા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોમાં ભૂકંપ સામે જનજાગૃતિ અને આપત્તિ સામે પ્રતિકારનું માર્ગદર્શન મેળવવા માટે આ કાર્ય શાળા ઉપયોગી બની રહેશે.
આ તકે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે, આ તાલીમના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, હિરણવેલ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપની શક્યતાને અનુલક્ષી જો નાના-મોટા આંચકાઓ અનુભવાય તો ભૂકંપ સામે અગાઉથી જાગૃત બનશે. જો કોઈ મોટી આપત્તિનો સમય આવે ત્યારે આ આપત્તિમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપી શકે એ પ્રકારની તાલીમ નાગરિકોને આવી કાર્યશાળાથી પ્રાપ્ત થતી હોય છે.
સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મહાનિર્દેશક દિગ્વિજયસિંહ જાડેજાએ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપનાના ઉદ્દેશ અને રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભુજ ( કચ્છ) માં આવેલા વિનાશક ભૂકંપે જે તારાજી વેરી હતી. તેમાંથી પ્રેરણા લઈને ભવિષ્યમાં આ પ્રકારનો ભૂકંપ આવે તો તેની અગાઉથી જાણકારી મળે અને તે અંગે સજ્જ રહેવાથી તેની તીવ્રતા ઘણા અંશે ઘટાડી શકાશે તેવા ઉદ્દેશ સાથે આ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી હતી.
કચ્છના વિનાશક ભૂકંપ બાદ ગુજરાતને કુદરતી આપત્તિઓ સામે સક્ષમ અને સુરક્ષિત બનાવવા
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્ષ ૨૦૦૩માં આ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી હતી.આ સંસ્થા તેની સ્થાપનાથી લઈ ધરતીકંપ સંશોધન ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સંસ્થા બની રહી છે. આ સંસ્થા હેઠળ હાલમાં ગુજરાતમાં ૧૧૦થી વધુ નિરીક્ષણ મથકોનું નેટવર્ક કાર્યરત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૭ સ્ટેશનો આવેલાં છે અને તે પૈકી ૧૬ સ્ટેશનો ઓનલાઈન છે. જેમાં ગીર સોમનાથ વિસ્તારના ચિત્રાવળ અને ઉના જેવા વિસ્તારોના સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તાલાલા અને ગીર સોમનાથ વિસ્તારમાં અવાર-નવાર અનુભવાતા નાના-નાના આંચકાઓની શ્રેણી એટલે કે ‘અર્થક્વેક સ્વાર્મ’ અંગે વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું હતું કે, નાના આંચકાઓ આવવાથી જમીનની અંદર રહેલી ઊર્જા ધીમે ધીમે મુક્ત થાય છે, જેનાથી મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે. તેથી નાગરિકોએ ગભરાવાની કે અફવાઓ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી.
મહાનિર્દેશકે વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથના ઈણાજ ખાતે આગામી સમયમાં બે એકર વિસ્તારમાં રૂ.૨૦ કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.
આ કાર્યશાળામાં ડૉ.દિલિપસિંહ કુશવાહા, પૃથુલ પટેલ, ડૉ.સિદ્ધાર્થ પ્રિઝોમવાલાએ ભૂકંપ મોનિટરિંગ, સિસ્મિક માઈક્રોઝોનેશન, સુરક્ષિત શહેરી વિકાસ, ભૂકંપરોધક ઇમારતોની ડિઝાઇન, ભૂગર્ભ જળ અને ખનિજોની શોધ તથા ડેમ, અણુઉર્જા મથકો અને સોલાર-વિન્ડમિલ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે ‘સેફ્ટી ફેક્ટર’ ચકાસણી, ફોલ્ટલાઈન સહિત 'પૃથ્વી સંબંધિત ડેટાથી વધુ સુરક્ષિત ગુજરાત' અંગે ઉપસ્થિત નાગરિકોને તેમજ અધિકારીઓને ડેટા આધારિત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યશાળાના સ્થળે ભૂકંપનું તિવ્રતા માપન, અર્થક્વેક મોનિટરિંગ,જીઓસિગ્મા,બ્રોડબેન્ડ સેન્ટર, અનાલોગ રેકોર્ડર, રેર્ડન મોનિટર સહિતના વૈજ્ઞાનિક સમજ આપતા પ્રદર્શનમાં નાગરિકોએ ભૂકંપથી કેવી રીતે રક્ષણ મેળવવું તેમ જ બચાવના પ્રયોગો આદરવા તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ કાર્યશાળામાં વેરાવળ ગ્રામ્ય સર્કલ ઓફિસર દ્વારા જમીન ફાળવણીનો કબજો સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યશાળામાં તાલાલા નગરપાલિકા પ્રમુખ ભૂપતભાઈ હીરપરા, તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, નાયબ પોલીસ અધિક્ષક ચેતન ખટાણા, લોકવિજ્ઞાન કેન્દ્રના કાર્યકરો, અગ્રણીઓ, સ્થાનિક નાગરિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ, સ્થાનિક સંસ્થાઓ, પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ અને ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ