




અમરેલી,15 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લામાં નાગરિકોની તાત્કાલિક મદદ માટે 112 ઈમરજન્સી સેવા 24 કલાક કાર્યરત છે. 112 સેવા માત્ર પોલીસની મદદ પૂરતી સીમિત નથી, પરંતુ જરૂરિયાત મુજબ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી વિવિધ ઈમરજન્સી સેવાઓનો લાભ પણ નાગરિકો લઈ શકે છે. અમરેલી જિલ્લામાં 112ની અંદાજે 32 ઈમરજન્સી વાન અલગ-અલગ પોઇન્ટ પર કાર્યરત છે.
આ સેવાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. અકસ્માત, જાહેર સ્થળે મારામારી, ઝઘડો અથવા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય ત્યારે ઘટનાસ્થળે હાજર વ્યક્તિ પણ 112 પર કોલ કરીને જાણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે માત્ર માહિતી આપનાર વ્યક્તિને પોલીસ દ્વારા ફરિયાદી તરીકે ગણવામાં આવતી નથી. સામાન્ય રીતે માત્ર કોલ કરનાર હોવાના કારણે તેનું નિવેદન લેવામાં આવતું નથી કે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો નથી.
અમરેલી જિલ્લામાં 112 ઈમરજન્સી સેવામાં દરરોજ 40થી વધુ કોલ આવતાં હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. ઓગસ્ટ 2026 દરમિયાન જિલ્લામાં કુલ 1,229 કોલ પ્રાપ્ત થયા હતા. જ્યારે જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 સુધીના આઠ મહિનામાં કુલ 9,899 કોલ 112 ઈમરજન્સી સેવાને મળ્યા હતા. આ કોલમાં સૌથી વધુ સામાન્ય ઝઘડા અને મારામારીના બનાવો તેમજ પ્રોહિબિશન સંબંધિત કેસો જોવા મળ્યા છે.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે 112 ઈમરજન્સી સેવાનો લાભ કોઈપણ નાગરિક લઈ શકે છે. અમરેલી જિલ્લામાં 112ની 32 જેટલી વાન 24 કલાક કાર્યરત રહે છે અને અલગ-અલગ સ્થળોએ પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં નાગરિકોને ઝડપથી મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
112 પર કોલ કર્યા બાદ કોલ સેન્ટર તરફથી મળેલી માહિતીના આધારે નજીકની PCR ઈમરજન્સી વાનને જાણ કરવામાં આવે છે. કોલ કરનાર વ્યક્તિનું GPS લોકેશન પણ સિસ્ટમ દ્વારા મેળવવામાં આવે છે. સામાન્ય રીતે કોલ કર્યા બાદ આશરે એક મિનિટમાં 112 PCR વાન તરફથી કોલ કરનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિ કઈ જગ્યાએ છે તેની પુષ્ટિ કરવામાં આવે છે અને જરૂર પડે તો ચોક્કસ સ્થળની માહિતી પણ લેવામાં આવે છે.
ત્યારબાદ શક્ય તેટલા ઓછા સમયમાં, સામાન્ય રીતે 10થી 11 મિનિટમાં 112 PCR વાન ઘટનાસ્થળે પહોંચે છે. ઘટનાની ગંભીરતા અને પરિસ્થિતિ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
જો જાહેર સ્થળે મારામારી કે અન્ય બનાવ બન્યો હોય તો બંને પક્ષના લોકોને નજીકના પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ પોલીસને સોંપવામાં આવી શકે છે. પરંતુ માત્ર ઘટના અંગે 112ને જાણ કરનાર વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજિયાત પ્રક્રિયા નથી.
આ રીતે 112 સેવા માત્ર પોલીસને બોલાવવાનો નંબર નહીં, પરંતુ મુશ્કેલીના સમયે નાગરિકોને ઝડપી મદદ પહોંચાડતી ઈમરજન્સી વ્યવસ્થા છે. કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે પોતે જોખમ લીધા વિના 112 પર જાણ કરવી નાગરિકની જવાબદારીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai