
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) દિવંગત અભિનેત્રી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં નામ સામે આવ્યા બાદ, અભિનેતા સૂરજ પંચોલીએ પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ, વર્ષ 2020માં થયેલા દિશા સાલિયાનના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં 17 લોકો વિરુદ્ધ એફઆઈઆર (પ્રાથમિકી) દાખલ કરી છે, જેમાં સૂરજ પંચોલીનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે. હવે અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આ કેસ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.
સૂરજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું કે, તે પોતાની જિંદગીમાં ક્યારેય દિશા સાલિયાનને સીધા કે પરોક્ષ રીતે મળ્યો નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે આદિત્ય ઠાકરેને પણ ક્યારેય મળ્યા નથી. અભિનેતાએ કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ પુરાવા વિના તેમનું નામ આ કેસ સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પોલીસ અને સીબીઆઈ લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાં જ તેમનું નિવેદન નોંધવી ચૂકી છે. સૂરજે કહ્યું કે, તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી.
અભિનેતાએ આગળ કહ્યું કે, તે લાંબા સમયથી આ કેસ પર ચૂપ રહ્યા છે, પરંતુ હવે સતત તેમનું નામ એવી ઘટના સાથે જોડવામાં આવે તે સ્વીકારશે નહીં, જેની સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે જો તપાસ એજન્સીને તેમની ફરીથી પૂછપરછ કરવી હોય તો તે સંપૂર્ણપણે સહયોગ કરવા તૈયાર છે. સૂરજે લોકોને કેસ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ વિશે અભિપ્રાય બનાવતા પહેલા તથ્યોની પુષ્ટિ કરવા અપીલ કરી. રિપોર્ટ્સ અનુસાર, એફઆઈઆર (પ્રાથમિકી) માં આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા અને રિયા ચક્રવર્તી સહિત 17 લોકોના નામ સામેલ હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ