
નવસારી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના વાંસદામાં હનુમાનબારી અને રાણીફળિયા વિસ્તારમાંથી પસાર થતા NH-56 પર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઈવેને પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તાની બંને બાજુ આશરે 15-15 મીટર વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યો છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
હાઈવેના વિસ્તરણને ધ્યાનમાં રાખીને થોડા દિવસ અગાઉ સંબંધિત વિસ્તારમાં માપણી કરવામાં આવી હતી અને દબાણ ધરાવતા લોકોને માર્જિન અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે દિવસથી ઓથોરિટીની ટીમ દ્વારા JCBની મદદથી રસ્તાની બંને બાજુ આવેલા વિવિધ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન હાઈવે પર જરૂરી વ્યવસ્થા જાળવવા માટે પોલીસની હાજરી રાખવામાં આવી છે.
દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં કેટલાક દુકાનદારો તેમજ લારી-ગલ્લાવાળાઓએ પણ તંત્રની કાર્યવાહી પહેલાં પોતાના હાથે જ સામાન અને અન્ય દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું.
હાઈવે પહોળો કરવાની કામગીરી આગળ વધતાં આગામી દિવસોમાં પણ આ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે