
ભાવનગર 16 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા તથા રેલવે સંપત્તિની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મંડળના વીજપડી રોડ (VJD) સ્ટેશન ખાતે ઓટોમેટિક ફાયર એલાર્મ એન્ડ ડિટેક્શન સિસ્ટમ (AFDAS) 14 સપ્ટેમ્બર, 2026ના રોજ સફળતાપૂર્વક કમિશન કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ સુરક્ષા પહેલનો ઉદ્દેશ સ્ટેશન પરિસરમાં આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિનો વહેલી તકે પત્તો લગાવવો, તાત્કાલિક ચેતવણી આપવી તથા સમયસર જરૂરી આપાતકાલીન કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.
મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષા, સંરક્ષા અને વધુ સારી મુસાફર સુવિધાઓ માટે આધુનિક ટેકનોલોજી અપનાવવાની દિશામાં સતત કાર્યરત છે. આ ક્રમમાં સિનિયર ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર (Sr. DSTE) શ્રી એચ. એસ. આર્યાના નેતૃત્વ હેઠળ સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા AFDASની સ્થાપના અને કમિશનિંગનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
AFDASની મુખ્ય વિશેષતાઓ:
• આગના સંભવિત જોખમનો વહેલી તકે પત્તો લગાવવો.
• ઓડિયો-વિઝ્યુઅલ એલાર્મ દ્વારા તાત્કાલિક ચેતવણી આપવી.
• મુસાફરો, કર્મચારીઓ તથા રેલવે સંપત્તિની સુરક્ષામાં વધારો.
• સતત અને વિશ્વસનીય દેખરેખ દ્વારા ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવો.
• આપાતકાલીન પરિસ્થિતિમાં સમયસર સ્થળાંતર તથા રાહત કામગીરીમાં સહાય કરવી.
આ આધુનિક ફાયર એલાર્મ અને ડિટેક્શન સિસ્ટમ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તથા સંભવિત આગની આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક માહિતી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભાવનગર મંડળ દ્વારા આવી આધુનિક સુરક્ષા પ્રણાલીઓને અપનાવીને “Safety First, Always First”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ