ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે 14 વિજેતાઓને વિવિધ પાંચ શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ રાજ્યભરના કુલ 14 પર્યાવરણ પ્રેમી વિજેતાઓને વિવિધ 5 શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત કરી સન્માનિત કર્ય
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ રાજ્યભરના કુલ 14 પર્યાવરણ પ્રેમી વિજેતાઓને વિવિધ 5 શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત કરી સન્માનિત કર્યા હતા. તેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, 75 હજાર અને 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે જ્યાં સુધી ક્લાઈમેટ ચેન્જ એક્શન એ આપણી ‘જીવનશૈલી’ -Way of life નહીં બને, ત્યાં સુધી તે માત્ર સરકારી ફાઈલો અને કાગળો સુધી જ સીમિત રહી જશે,તેને આપણે સાથે મળીને એક જનઆંદોલન બનાવવું પડશે. વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'ક્લાઈમેટ ચેન્જ' સંદર્ભે વિશ્વમાં ગુજરાત ત્રીજું કે ચોથું એવું રાજ્ય હતું જેણે સૌથી પહેલાં 'ક્લાઈમેટ ચેન્જ વિભાગ' શરૂ કરી આ દિશામાં નક્કર કામની શરૂઆત કરી છે.

તેમણે કહ્યું કે જે રીતે અત્યારે ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન જનઆંદોલન બની રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેનો સ્વીકાર થઈ રહ્યો છે, તે ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણે ગ્રીન કવર પર કામ નહીં કરીએ, ત્યાં સુધી પર્યાવરણનું સંતુલન જાળવવું મુશ્કેલ છે, કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ ઝડપથી વધી રહી છે. આપણી એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જો તેને બેલેન્સ નહીં કરીએ તો પ્રકૃતિ પોતાની મેળે ટકી શકશે નહીં.

તેમણે કહ્યું કે, આપણે તો પ્રકૃતિની પૂજા કરનારા લોકો છીએ. આદિવાસી સમાજ પણ પ્રકૃતિની જ પૂજા કરે છે. ડુંગર, નદી, પથ્થર, વૃક્ષો અને પ્રાણીઓની પૂજા કરે છે. આપણે પણ એ જ કરતા આવ્યા છીએ. પરંતુ આપણી 'લાલચ' આપણી 'જરૂરિયાત' કરતાં વધી ગઈ છે. તેથી સૌથી પાયાનું કામ એ કરવાનું છે કે આપણે આપણા બાળકોને આ અંગે શિક્ષિત કરીએ. IITની અંદર જે આપણું સેન્ટર ઓફ એક્સેલન્સ છે તે આ બાબતે કામ કરી રહ્યું છે, પરંતુ તે મર્યાદિત જગ્યાઓ કે થોડી શાળાઓ સુધી જ સીમિત છે. જેમ આપણે સરવાળા-બાદબાકી, કક્કો કે એબીસીડી શીખીએ છીએ અને વિષયો ભણીએ છીએ, તેટલું જ નવી પેઢી માટે ક્લાઈમેટ ચેન્જનું શિક્ષણ પણ જરૂરી છે. આ માટે આપણે આપણો અભિગમ બદલવો પડશે. ક્લાઈમેટ ચેન્જ વિભાગે પણ આ અંગે શિક્ષણ અને જાગૃતિ વધારવી પડશે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે 20 જેટલા જિલ્લાઓ માટે 'ક્લાઈમેટ ચેન્જ એક્શન પ્લાન' રજૂ થયો છે. જેમાં ઘરમાં એલપીજીને બદલે પીએનજી વાપરવું, ડીઝલ જનરેટરના બદલે ઇલેક્ટ્રિક કે ઈવી સ્વીકારવું, ખેતી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગમાં શું કરવું તેની ખૂબ સરળ સમજણ આપેલી છે.

આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે સરકાર અને નિષ્ણાતોના પ્રયાસોની સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે અને ક્લાઇમેટ એક્શનને માસ મૂવમેન્ટ એટલે કે જનઆંદોલનનું સ્વરૂપ આપવાની જરૂર છે.

ક્લાઇમેટ એક્શન ટ્રેકર દ્વારા જિલ્લા કક્ષાએ કાર્બન ઉત્સર્જનના મેપિંગને મહત્વપૂર્ણ ગણાવતા તેમણે બનાસકાંઠાના ખેતી ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું હતું. ભૂગર્ભજળ અને વીજળીના વપરાશથી થતા ઉત્સર્જન ઘટાડવા ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ક્લાઇમેટ એક્શનને શિક્ષણ સાથે જોડીને નવી પેઢીને જાગૃત કરવા તથા ભારતના 2070ના નેટ ઝીરો લક્ષ્યાંક તરફ સહિયારા પ્રયાસો સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન જેડા અને આઈઆઈએમ-અમદાવાદ વચ્ચે ક્લાઇમેટ ક્ષેત્રે પરસ્પર સહકાર અને મળીને કામ કરવા અંગે એમઓયૂ થયા હતાં. આ સાથે જ, મંત્રીઓના હસ્તે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર, ક્લાઇમેટ ચેન્જ મોડ્યુલ તથા ડિસ્ટ્રિક્ટ લેવલ ક્લાઇમેટ સ્માર્ટ એક્શન પ્લાન વિથ ડીકાર્બનાઇઝેશન પાથવે ફોર 20 ડિસ્ટ્રિક્ટનું લૉન્ચિંગ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામીગીરી કરનાર અને પસંદગી પામેલા 14 લાભાર્થીઓને મંત્રીઓના હસ્તે 5 કેટેગરીમાં પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતાં. તેમાં શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં પ્રથમ ક્રમે “Green Technology and Sustainable Energy” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ કન્યા વિનય ટેમ્પલ સંસ્કાર તીર્થ, અજોલ, બીજા ક્રમે “Green School” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ કે. વી. માંગુકિયા વિદ્યાલય, જોથણ, ઓલપાડ, સુરત અને ત્રીજા ક્રમે, “Towards a Net-Zero Future: Gujarat Vidyapith as a Climate Smart, Sustainable Campus” ક્ષેત્રે ગુજરાત વિદ્યાપીઠ તથા “Integrated Sustainable Engineering Campus Model” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ લાલજીભાઈ ચતુરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ભાંડુ, મહેસાણાની ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

જ્યારે વ્યક્તિગત કેટેગરીમાં પ્રથમ ક્રમે “સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત રાજ્ય માટે સ્કેલેબલ ગ્રામ્ય ઘન કચરા વ્યવસ્થાપન માર્ગદર્શિકા તથા મોડેલ વિલેજ આધારિત અમલીકરણ” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ધ્રુમિન નરોત્તમભાઈ ડાભી, અમદાવાદ, બીજા ક્રમે પોતાના “અમિધારા ફાર્મ”, હિંમતનગર ખાતે ગ્રીન ટેક્નોલોજી અને ઊર્જા કાર્યક્ષમતાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પટેલ અશોકભાઈ અમીચંદભાઈની ક્લાઇમેટ અને ત્રીજા ક્રમે, “Adopt the Plant, Adopt the Future” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ અંશ નયન શાહ, વડોદરાની ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ જ રીતે રિસર્ચ પ્રોજેક્ટ કેટેગરીમાં ત્રીજા ક્રમે આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન તથા કામગીરી બદલ ડૉ. રોનક આર. ગઢવી, અમદાવાદની ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જન જાગૃતિ કેટેગરીમાં પ્રથમ ક્રમે “રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય સમુદાયની આત્મનિર્ભરતા અને સ્થિતિસ્થાપકતામાં સુધારો” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સવરાજ સોરાષ્ટ્ર વોલન્ટરી એક્શન, રાજકોટ, બીજા ક્રમે, “The Green Catalyst: Youth Involvement and Participation in Waste Management, Climate Change and Environmental Awareness in the State of Gujarat” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પર્યાવરણ મિત્ર, અમદાવાદની ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ અને ત્રીજા ક્રમે, “Climate Change Adaptation in Agriculture through Innovative Interventions” ક્ષેત્રે Farmbridge Social Support Foundation, ભરૂચ તેમજ “ગ્રામીણ સમુદાયની આત્મનિર્ભરતા અને સ્થિતિસ્થાપકતામાં સુધારો” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અમરેલીની ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

મહિલા સાહસિક કેટેગરીમાં પ્રથમ ક્રમે “ઉષા વન : આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક મહિલાનું વિરાટ પર્યાવરણીય પગલું” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ઉષાબેન એમ. ડામોર, દાહોદ, બીજા ક્રમે, “Home Biogas – Green Energy and Organic Fertilizer from Wet Waste” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ યાશિકા વાય. રોટલીવાલા, સુરતની ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ આર. આર. ડામોર, વસુધા ફાઉન્ડેશનના સીઈઓ શ્રીનિવાસ કૃષ્ણાસ્વામી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણવિદો ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande