
ભાવનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.)બજારમાં વિવિધ પ્રકારના સાબુ ઉપલબ્ધ છે, જેમાં સુગંધ, રંગ, ફોમ સહિતના ગુણધર્મો માટે અલગ-અલગ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે સાબુ બનાવવાની પદ્ધતિ પણ લોકપ્રિય બની રહી છે. આ રીતે સાબુ બનાવવાથી નાના પાયે ઘરઉદ્યોગ શરૂ કરીને આવકનું સાધન પણ ઊભું કરી શકાય છે.
મંડળ સાથે જોડાયેલા સવિતાબેન બારીયા છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સાબુ તૈયાર કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઘરે સાબુ બનાવવા માટે ગ્લિસરીન બેઝનો ઉપયોગ કરી શકાય છે. આશરે એક કિલો બેઝમાંથી 100 ગ્રામના લગભગ 10 સાબુ તૈયાર થઈ શકે છે.
સાબુ બનાવવા માટે સૌપ્રથમ ગ્લિસરીન બેઝને નાના ટુકડામાં કાપી ધીમા તાપે ગરમ કરવામાં આવે છે. બેઝ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારબાદ કયા પ્રકારનો સાબુ બનાવવો છે તે પ્રમાણે કુદરતી સામગ્રી ઉમેરવામાં આવે છે. લીમડાનો સાબુ બનાવવો હોય તો ઓગળેલા બેઝમાં આશરે ત્રણથી ચાર ચમચી લીમડાનો રસ ઉમેરી સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે.
ત્યારબાદ તૈયાર મિશ્રણને સિલિકોન મોલ્ડમાં રેડી ઓરડાના તાપમાને ઠંડું થવા દેવામાં આવે છે. મિશ્રણ કઠણ થયા બાદ સાબુને મોલ્ડમાંથી બહાર કાઢી શકાય છે.
સાબુ બનાવતી વખતે સ્વચ્છતા, યોગ્ય માપ અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ જરૂરી છે. ત્વચા પર ઉપયોગ કરતા પહેલાં યોગ્ય સલાહ લેવી જોઈએ. ગ્લિસરીન બેઝ ખરીદતી વખતે તેની સામગ્રી અને ઉત્પાદકની સૂચનાઓ તપાસવી જરૂરી છે. કુદરતી સામગ્રી આધારિત સાબુને સંપૂર્ણપણે રસાયણમુક્ત માનવો યોગ્ય નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA