

મહેસાણા, 16 સપ્ટેમ્બર (હિ.સ.)
મહેસાણા જિલ્લાના મોટી દઉં ગામમાં આવેલું બાબુભાઈ પટેલ ગણપતિ મંદિર આશરે 93 વર્ષ જૂનું હોવાનું ગામના વડીલો જણાવે છે. જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ સાથે જોડાયેલી આગવી માન્યતા અને વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓના કારણે મંદિર ગામની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ગામના વડીલોની માન્યતા મુજબ મોટી દઉં વિસ્તાર અગાઉ જંગલ જેવો હતો ત્યારે સીતારામ મહારાજ અહીં આવ્યા હતા અને તેમણે ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી. શરૂઆતમાં મંદિર નાનું હતું, ત્યારબાદ ગામલોકો અને સેવાભાવી લોકોના સહયોગથી મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. મંદિર પરિસરમાં ગણપતિ ભગવાન ઉપરાંત મહાદેવનું મંદિર પણ આવેલું છે.
મંદિરમાં ગણપતિની બે મૂર્તિઓ હોવાનું જણાવાય છે. એક સ્થાયી અને બીજી ચલિત મૂર્તિ છે. ગણેશ ચતુર્થીના દિવસે ચલિત મૂર્તિને રથમાં બિરાજમાન કરી ગામમાં રથયાત્રા અને વરઘોડો કાઢવાની પરંપરા છે. મૂર્તિને ગામના વિવિધ વિસ્તારોમાં લઈ જઈ પધરામણી કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફરી મંદિર ખાતે બિરાજમાન કરવામાં આવે છે.
ભાદરવા સુદ ચોથના દિવસે અહીં મેળો પણ યોજાય છે. આસપાસના ગામોમાંથી લોકો દર્શન માટે આવે છે. મંદિર પરિસરમાં દર વર્ષે યજ્ઞનું આયોજન થાય છે અને અત્યાર સુધીમાં 100થી વધુ યજ્ઞ યોજાયા હોવાનું મંદિર સાથે જોડાયેલા લોકો જણાવે છે. દર માસની ચોથના દિવસે ભજન-કીર્તન અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR