




- NIFT ગાંધીનગરના ક્યુરેશન હેઠળ 18 દેશોના 44 કારીગરોએ રજૂ કરી સાંસ્કૃતિક વિરાસત
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત “Crafting Cultures, Connecting People”ની થીમ સાથે આયોજિત BRICS Bazaar 2026 સાંસ્કૃતિક વૈવિધ્ય, હસ્તકલા અને સર્જનાત્મકતાના અનોખા સંગમ તરીકે ઊભરી આવ્યું છે. 10થી 15 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીના National Crafts Museum & Hastkala Academy ખાતે યોજાયેલા આ Bazaarનું ક્યુરેશન NIFT ગાંધીનગર દ્વારા વિદેશ મંત્રાલય અને વિકાસ કમિશનર (હસ્તકલા)ની કચેરીના પરામર્શથી કરવામાં આવ્યું હતું.
NIFT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂડના નેતૃત્વ હેઠળ Bazaarને માત્ર હસ્તકલા પ્રદર્શન નહીં પરંતુ કારીગરો, તેમની પરંપરાઓ, સર્જનાત્મક પ્રક્રિયા અને સાંસ્કૃતિક વારસાને લોકો સાથે સીધા જોડતું અનુભવાત્મક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું.
BRICS Bazaarમાં 18 દેશોના 44 જાણીતા કારીગરોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત બેલારુસ, બોલિવિયા, બ્રાઝિલ, ચીન, ક્યુબા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મલેશિયા, નાઇજીરિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામના કારીગરોએ પોતાની વિશિષ્ટ હસ્તકલા અને સર્જનાત્મક પરંપરાઓ રજૂ કરી હતી.
આ Bazaarમાં હસ્તનિર્મિત કાપડ, વિલો વણાટ, બીડવર્ક, લેકર આર્ટ, ઇકો-પ્રિન્ટિંગ, પેપર-માશે, માટીકામ, વણાટ, ઈઝલ પેઇન્ટિંગ, ફિગરિન ક્રાફ્ટ, લાકડાં અને કેલાબાશ આર્ટ, બાટિક, હોટ એનામેલિંગ સહિત અનેક પ્રકારની પરંપરાગત હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
21 દેશોની સાંસ્કૃતિક ઓળખને દૃશ્ય સ્વરૂપ
BRICS Bazaarનું વિશેષ આકર્ષણ NIFT ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલા ત્રણ થીમેટિક ઇન્સ્ટોલેશન રહ્યાં હતા—“Confluence: Patterns of Unity”, “Convergence: Cultures Woven Together” અને “Co-existence: Tree of Life”.
“Confluence: Patterns of Unity”માં BRICSના 21 સભ્ય અને ભાગીદાર દેશોની હસ્તકલા પરંપરાઓ અને દૃશ્ય ભાષાથી પ્રેરિત 21 અલગ-અલગ પેટર્નને એકસાથે રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક ઓળખોને એક જ દૃશ્ય રચનામાં રજૂ કરીને એકતા, સંવાદ અને પરસ્પર જોડાણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
“Convergence: Cultures Woven Together”માં વણાટને વિવિધ સંસ્કૃતિઓના સંગમના રૂપક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે “Co-existence: Tree of Life” દ્વારા વિવિધ સંસ્કૃતિઓ, સમુદાયો અને પ્રકૃતિ વચ્ચેના પરસ્પર જોડાણ અને સહઅસ્તિત્વની ભાવનાને વ્યક્ત કરવામાં આવી હતી.
ડિજિટલ ટેક્નોલોજી સાથે હસ્તકલાનો સંગમ
મુલાકાતીઓને કારીગરો અને હસ્તકલાની પૃષ્ઠભૂમિ વિશે વધુ માહિતી મળી રહે તે માટે દરેક સ્ટોલ પર વિશેષ ઓળખ પેનલ અને QR કોડ મૂકવામાં આવ્યા હતા. QR કોડ દ્વારા મુલાકાતીઓ સંબંધિત કારીગરની પ્રોફાઇલ, હસ્તકલાની માહિતી અને સંપર્ક વિગતો સુધી પહોંચી શકતા હતા.
આ રીતે પરંપરાગત હસ્તકલાને ડિજિટલ સ્ટોરીટેલિંગ સાથે જોડીને મુલાકાતીઓ માટે વધુ રસપ્રદ અને માહિતીપ્રદ અનુભવ ઊભો કરવામાં આવ્યો હતો.
લાઇવ ડેમોન્સ્ટ્રેશનથી જીવંત બની હસ્તકલા
Bazaar દરમિયાન વિવિધ પરંપરાગત હસ્તકલાના લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજાયા હતા. મધ્યપ્રદેશની બ્લોક પ્રિન્ટિંગ, રાજસ્થાનની લાખની બંગડીઓ, કાશ્મીરની પેપર-માશે અને રાજસ્થાનની ટેરાકોટા હસ્તકલાની જીવંત રજૂઆત દ્વારા મુલાકાતીઓને કારીગરોની કુશળતા અને સર્જનાત્મક પ્રક્રિયાને નજીકથી જોવાની તક મળી હતી.
કેટલીક પ્રવૃત્તિઓમાં મુલાકાતીઓએ કારીગરો સાથે મળીને હસ્તકલા તૈયાર કરવાનો અનુભવ પણ મેળવ્યો હતો.
BRICS Bazaar 2026 દ્વારા હસ્તકલા માત્ર વેચાણ અને પ્રદર્શનની વસ્તુ નહીં પરંતુ સંવાદ, સાંસ્કૃતિક સમજણ અને લોકો વચ્ચેના જોડાણનું માધ્યમ બની હતી. ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન આયોજિત આ જનભાગીદારી પહેલે વિવિધ દેશોની સાંસ્કૃતિક ઓળખને એક મંચ પર લાવીને “Crafting Cultures, Connecting People” ના સંદેશને સાકાર કર્યો હતો.
BRICS Bazaar 2026 એ વિવિધ સંસ્કૃતિઓની ઉજવણી સાથે હસ્તકલાના માધ્યમથી દેશો અને લોકોને જોડવાનો અનોખો પ્રયાસ સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ