
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લામાં દુષ્કાળના એંધાણ વચ્ચે ભાદરવા મહિનાની શરૂઆતે જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગામડાઓમાં અડધાથી બે ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાતાં ભાદરવો ભરપૂર રહેવાની આશા જાગી છે. આ વરસાદથી જિલ્લાના 3.38 લાખ હેક્ટરમાં સુકાઈ રહેલા ખરીફ પાકને નવજીવન મળ્યું છે. મોંઘા બિયારણ અને ખાતરના રોકાણ બાદ વરસાદ ખેંચાતાં ચિંતામાં મુકાયેલા ખેડૂતોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકનો મુખ્ય પાક મગફળી છે. હાલારની મગફળીની તામિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં ભારે માંગ રહે છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ દેવું કરીને પણ બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું અને સોનેરી સપના સાથે વાવેતર હાથ ધર્યું હતું.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3.38 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જેમાં સૌથી વધુ 2.16 લાખ હેક્ટરમાં મગફળીનો પાક લહેરાઈ રહ્યો છે. આ ઉપરાંત 89 હજાર હેક્ટરમાં કપાસ અને 12 હજાર હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે, જ્યારે એરંડા અને તુવેર જેવા પાકોનું પણ મહદઅંશે વાવેતર કરવામાં આવ્યું છે.
ચોમાસાના પ્રારંભે વાવણી સમયે કેટલાક ગામોમાં વરસાદની અછત હોવા છતાં ખેડૂતોએ જોખમ લઈને વાવેતર કરી દીધું હતું. પાક ઉગ્યા બાદ તરત જ વરસાદ ખેંચાતાં પાક સુકાવાની અણી પર પહોંચી ગયો હતો. ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી.
પાક સુકાઈ રહ્યો હતો તેવા જ સમયે મેઘરાજાએ મહેર કરતાં પાકને નવું અસ્તિત્વ મળ્યું છે. આ વરસાદથી ખેડૂતોના શિરેથી પાક નિષ્ફળ જવાની ચિંતા હાલ પૂરતી ટળી છે અને આગામી દિવસોમાં વધુ સારો વરસાદ થશે તો ઉત્પાદન પણ સારું મળવાની આશા બંધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt