
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આજે લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને એક વ્યાપક જન-આંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ ઢીલાશ ન રાખવા ટી.બી.ના દર્દીઓને નશામુક્તિ અંગે તેમજ ટી.બી મુક્ત ભારત પંચાયત’ માટે લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ટીબીના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી સચોટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમજ ભેળસેળ કરનારા સામે સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી સમક્ષ ટી.બી. મુક્ત ગુજરાત માટેના આગામી સમયના લક્ષ્યાંકો રજૂ કરવામાં આવ્યા તેમજ સાગર ખેડૂની સ્વાસ્થ્ય સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ રોકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં ટીબીનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ સબ-સેન્ટર અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યમાં ૨,૩૫૧ માઇક્રોસ્કોપી સેન્ટર, ૩ અત્યાધુનિક ટીબી કલ્ચર લેબોરેટરી, ૭૪ CBNAAT મશીનો અને ૩૯૩ TrueNAT મશીનો કાર્યરત છે.
વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન રાજ્યના પ્રત્યેક તાલુકા અને વધુ ભારણ ધરાવતા જિલ્લાઓ માટે નવા ૧૦૦ TrueNAT મશીનો ખરીદવામાં આવશે, જેથી ૧૦૦% અપફ્રન્ટ NAAT ટેસ્ટિંગ સુનિશ્ચિત થાય. ઘર-ઘર જઈને સંભવિત ટીબી દર્દીઓની તપાસ કરવા માટે વધારાના ૨૯૪ પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો વસાવવામાં આવશે. આ ઉપરાંત ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ અને ૧૪ વર્ષથી નાના તમામ બાળકોને ૬ મહિના સુધી 'રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ' અપાશે.
વધુમાં, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ દિશાસૂચનો પ્રમાણે, નોડલ અધિકારી તેમજ સ્વયંસેવકો, NCC કેડેટ સહિતના સભ્યોની ટીમ દ્વારા ટી.બી અટકાવવા સઘન પ્રયત્નો થઈ રહ્યા છે.
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, રાજ્યપાલના અગ્ર સચિવ મેહુલ દવે, આરોગ્ય કમિશ્નર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ