

પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા, ધાર્મિક માહોલમાં પાટોત્સવની ઉજવણી
સિદ્ધપુર શહેરના ધર્મ ચકલા વિસ્તારમાં આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે 18મા પાટોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને માતાજીના દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
પાટોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી પરિવાર અને સમાજના સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિત અંકુર મારફતિયા, કૌશલ જોશી, રશ્મિન દવે, નિરંજન ઠાકર, જયેશ પંડ્યા, સંજય શુક્લા, નિરંજન પંચાલ, કમલેશ નાઈ, શંભુભાઈ, કિરણ પંડ્યા, હેતલ પંચાલ, જશુ પટેલ, કનુ પારેખ, અશ્વિન પટેલ અને પિયુષ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
પાટોત્સવના આયોજનમાં ગણપતિ યુવક મંડળના આયોજકો, દાતાઓ અને સ્થાનિક સેવાભાવી કાર્યકરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ