
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજ બિલના બાકી લેણાંની વસૂલાત માટે યોજાયેલી લોક અદાલત કંપની માટે કમાણીનું મહત્ત્વનું સાધન બની રહી છે. જામનગર સર્કલમાં તાજેતરમાં યોજાયેલી આ લોક અદાલતમાં વિવાદિત કેસોમાં કુલ રૂ. 141.47 કરોડનું સમાધાન કરવામાં આવ્યું હતું.
જામનગર સર્કલ હેઠળ કુલ 80 લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીજ ચેકિંગ દરમિયાન પકડાયેલી ગેરરીતિઓ તથા વીજ બિલની આકારણી સામે ગ્રાહકો દ્વારા નોંધાવવામાં આવેલા વાંધા સંબંધિત કુલ 7114 કેસો રજૂ કરવામાં આવ્યા હતા.
આ લોક અદાલતમાં છેલ્લા છ મહિનાથી લઈને દસ વર્ષ સુધીના જૂના અને લાંબા સમયથી પડતર રહેલા વિવાદિત કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલતી કાનૂની પ્રક્રિયાથી કંટાળેલા ગ્રાહકોએ વીજ કંપની સાથે સ્થળ પર જ સમાધાન સ્વીકારી લીધું હતું.
આયોજિત લોક અદાલતમાં રજૂ કરાયેલા કુલ કેસોમાંથી 705 કેસનો સફળતાપૂર્વક નિકાલ થયો હતો. આ નિકાલ પામેલા કેસોના આધારે ગ્રાહકોએ એક જ દિવસમાં સ્થળ પર જ રૂ. 75.47 કરોડની રકમ ભરી દીધી હતી.
સૌથી વધુ વિવાદિત વીજ કનેક્શન જામનગર શહેર અને જિલ્લામાં નોંધાયેલા છે. જોકે સમગ્ર હાલાર વિસ્તારમાં કેસોના નાણાકીય નિકાલ સામે સમાધાનની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળી છે.
હજુ પણ 6409 વીજ કનેક્શનના વિવાદો ઉકેલાવાના બાકી છે, જે દર્શાવે છે કે ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત હજુ બાકી છે. વીજ કંપની આગામી દિવસોમાં આવી લોક અદાલતો યોજીને બાકી કેસોનો ઝડપી નિકાલ કરવા પ્રયાસ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt