
કુઆલાલંપુર, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે બુધવારે જણાવ્યું હતું કે, તેઓ મ્યાનમારના સૈન્ય શાસનના પ્રમુખમાંથી રાષ્ટ્રપતિ બનેલા મિન આંગ હ્લાઇંગને સત્તાવાર મુલાકાત માટે આમંત્રિત કરશે. આ દરમિયાન, મલેશિયા હજારો રોહિંગ્યા શરણાર્થીઓની મ્યાનમાર વાપસીના મુદ્દે વાતચીત કરશે.
અનવરે કહ્યું કે મલેશિયા મ્યાનમારની વર્તમાન સરકારને ઔપચારિક માન્યતા આપવા તૈયાર નથી, પરંતુ શરણાર્થીઓની વાપસી જેવા મુદ્દાઓ પર વાતચીત માટે મ્યાનમાર સાથે સંવાદ જરૂરી છે. તેમણે કહ્યું કે, રાજદ્વારી વાતચીત દ્વારા જ રોહિંગ્યા શરણાર્થીઓની સુરક્ષિત અને તબક્કાવાર વાપસીનો માર્ગ શોધી શકાય છે.
અનવરના મતે, મ્યાનમારે લગભગ 5,000 શરણાર્થીઓની વાપસીને મંજૂરી આપી છે. તેમની વાપસીનો ખર્ચ મલેશિયા ઉઠાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે, પ્રારંભિક તબક્કા પછી અન્ય શરણાર્થીઓની વાપસી પણ તબક્કાવાર રીતે શક્ય બનશે.
મલેશિયાએ અગાઉ કહ્યું હતું કે, સ્વૈચ્છિક વાપસી કાર્યક્રમના પ્રથમ તબક્કા હેઠળ સપ્ટેમ્બરમાં લગભગ 1,500 મ્યાનમાર શરણાર્થીઓને પાછા મોકલવાની યોજના છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (યુએનએચસીઆર) અનુસાર, મ્યાનમાર પાછા ફરવું રોહિંગ્યા શરણાર્થીઓ માટે હજુ સુરક્ષિત માનવામાં આવતું નથી.
મિન આંગ હ્લાઇંગે, 2021ના સૈન્ય બળવા પછી સત્તા સંભાળી હતી. એપ્રિલમાં રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ વિદેશ યાત્રાઓ અને સત્તાવાર મુલાકાતો દ્વારા પોતાની સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અનવરે કહ્યું કે, મલેશિયા અગાઉ મ્યાનમારની સૈન્ય સરકારનો સખત ટીકાકાર રહ્યું છે અને સંઘર્ષ રોકવાનો ઇનકાર કરવા બદલ તેણે ઘણી વખત નિરાશા વ્યક્ત કરી છે. જોકે, હવે શરણાર્થીઓની વાપસી માટે મ્યાનમાર સાથે વ્યવહારિક વાતચીતની જરૂર છે.
મિન આંગ હ્લાઇંગે તાજેતરના મહિનાઓમાં લાઓસ, થાઇલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ ઉપરાંત ચીન, ભારત અને રશિયાનો પણ પ્રવાસ કર્યો છે. મલેશિયાની મુલાકાત લેતા, તેઓ આસિયાનના 11 સભ્ય દેશોમાંથી પાંચમા દેશની મુલાકાત લેશે.
રોહિંગ્યા મ્યાનમારનો એક પીડિત લઘુમતી સમુદાય છે. મોટી સંખ્યામાં રોહિંગ્યા લાંબા સમયથી મ્યાનમારથી ભાગીને પડોશી દેશોમાં શરણ લેતા રહ્યા છે. બાંગ્લાદેશમાં 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે, જ્યારે મલેશિયામાં પણ મોટી સંખ્યામાં મ્યાનમારથી આવેલા શરણાર્થીઓ હાજર છે.
અનવરે રોહિંગ્યા સમુદાયની મુશ્કેલીઓને સ્વીકારતા કહ્યું કે, મલેશિયા તેમને કાયમી ધોરણે પોતાની પાસે રાખી શકતું નથી. તેમનું કહેવું છે કે, ઉકેલ માટે મ્યાનમાર સાથે વાતચીત અને રાજદ્વારી સંબંધો જરૂરી છે.
મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે, મ્યાનમાર પર ફક્ત દબાણ લાવવાને બદલે સંવાદ દ્વારા શરણાર્થીઓની વાપસીનો માર્ગ શોધવો વધુ વ્યવહારુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ