રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના સ્વસ્થ, સુખી તેમજ દીર્ઘાયુ જીવનની કામના કરી. બંનેએ વડાપ્રધાનના ન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદી ફાઈલ ફોટો


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના સ્વસ્થ, સુખી તેમજ દીર્ઘાયુ જીવનની કામના કરી. બંનેએ વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની વિકાસ યાત્રા અને 'વિકસિત ભારત'ના લક્ષ્યની દિશામાં થઈ રહેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો.

રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી કરેલા સંદેશમાં વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, તેમની 25 વર્ષની જાહેર સેવામાં ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન તરીકેનું તેમનું યોગદાન સામેલ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને સુશાસનના નવા ધોરણો સ્થાપિત કર્યા છે અને સર્વસમાવેશી વિકાસને નવી ગતિ અને દિશા આપી છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસ વચ્ચેના સુમેળનો પણ ઉલ્લેખ કર્યો.

જ્યારે, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ પોતાના સંદેશમાં વડાપ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, તેમના દ્રઢ અને દૂરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વમાં એક ઉજ્જવળ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપી ગતિથી વિકાસ પામતા દેશોમાં સામેલ છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 25 કરોડથી વધુ ભારતીયો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. ડિજિટલ ક્રાંતિએ લાખો લોકોને સશક્ત કર્યા છે તથા અવકાશ, ટેકનોલોજી, આરોગ્ય સેવા, માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

તેમણે કહ્યું કે, પછાત જિલ્લાઓને 'આકાંક્ષી જિલ્લા', સરહદી ગામોને 'જીવંત અને પ્રથમ ગામ' તથા પૂર્વોત્તરને 'અષ્ટલક્ષ્મી' તરીકે સંબોધિત કરવું વડાપ્રધાનના દૂરંદેશી દ્રષ્ટિકોણને દર્શાવે છે. આનાથી ભૌગોલિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વિસ્તારોને સશક્ત બનાવવા અને દેશની વિકાસ યાત્રામાં વિવિધ ક્ષેત્રોના લોકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન મળ્યું છે.

રાધાકૃષ્ણનએ કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોતાની યાત્રાઓમાં તેમણે આ બદલાવોને દેશના દૂરદરાજના વિસ્તારો સુધી પહોંચતા પ્રત્યક્ષ રીતે જોયા. તેમણે કહ્યું કે, દેશભરમાં પ્રગતિ, આકાંક્ષા અને નવા ઉત્સાહની ભાવના સામૂહિક વિકાસ યાત્રામાં લોકોના વિશ્વાસને દર્શાવે છે.

ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય, ખુશી અને નિરંતર શક્તિની કામના કરતા કહ્યું કે, તેઓ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યની પ્રાપ્તિ માટે માતૃભૂમિનું નેતૃત્વ કરતા રહે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande