જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું મોટા કાવતરાંનો પર્દાફાશ: 1000 લીટર કેમિકલ ગટરમાં વહાવ્યું, મુદ્દામાલ જપ્ત
જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના મધુવન સોસાયટી વિસ્તારમાંથી પોલીસે કેમિકલ, કલર અને એસેન્સ મિશ્રિત કરીને ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ બનાવવાની મોટી યોજનાનો પર્દાફાશ કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સીટી બી-ડિવિઝન પોલીસે સંયુક્ત દરોડો પાડ
નકલી દારૂ ના કાવતરા નો પર્દાફાશ


જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર શહેરના મધુવન સોસાયટી વિસ્તારમાંથી પોલીસે કેમિકલ, કલર અને એસેન્સ મિશ્રિત કરીને ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ બનાવવાની મોટી યોજનાનો પર્દાફાશ કર્યો છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સીટી બી-ડિવિઝન પોલીસે સંયુક્ત દરોડો પાડીને બનાવટી દારૂ પેક કરવા માટેની બોટલો, બોગસ સ્ટીકરો અને ઢાંકણા સહિતનો સામાન કબજે કર્યો છે. આ સમગ્ર નેટવર્કમાં અગાઉથી જ મંગાવવામાં આવેલો કેમિકલનો મોટો જથ્થો નાશ કરી દેવાયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધુવન સોસાયટી શેરી નંબર-2માં આવેલા બંધ મકાનનું તાળું તોડીને તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી ડુપ્લીકેટ દારૂ ભરવા માટેની 750 મિલીની 96 ખાલી પ્લાસ્ટિકની બોટલો, વિખ્યાત બ્રાન્ડ્સના નામના 270 ઢાંકણા અને 42.8 ટકા આલ્કોહોલ દર્શાવતા 52 બોગસ સ્ટીકરો મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી સમન્દરસિંહ ગુર્જરે તેના રાજસ્થાનના મિત્ર વિષ્ણુ ગુર્જર સાથે મળીને ત્રણ મહિના અગાઉ જામનગરમાં નકલી દારૂ બનાવવાનું આયોજન કર્યું હતું. આ માટે મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે 1000 લીટર કેમિકલ જામનગર મગાવવામાં આવ્યું હતું તેમજ અલવરથી બોટલો, સ્ટીકરો અને ઢાંકણા મગાવવામાં આવ્યા હતા. આરોપીઓની યોજના એક લીટર કેમિકલમાં દોઢ લીટર પાણી, કલર અને એસેન્સ ઉમેરીને વિવિધ બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાની હતી.

પોલીસની દરોડા કાર્યવાહી પહેલાં જ સહ-આરોપી રીંકુસિંહ કુશવાહાએ સત્યસાઇનગરના મકાનમાં રખાયેલું 1000 લીટર કેમિકલ હાપા વેલનાથ સોસાયટી પાસેની ગટરમાં વહાવી દીધું હતું અને 100 જેટલી ખાલી બોટલોને સળગાવી નાખી હતી.

પોલીસે એફએસએલ (FSL) ની ટીમ સાથે રાખીને ગટરના પ્રવાહી તેમજ બળેલી બોટલોના અવશેષોના નમૂના લઈ વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. હાલમાં પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા અને દસ્તાવેજો જપ્ત કરીને ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડા અને ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા નકલી દારૂનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું હતું કે કેમ અને આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande