
સુરત, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલની પાછળ કબ્રસ્તાન નજીકથી વહેતી ખાડીના પાણીમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિ દ્વારા માસૂમ બાળકીને ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
સચિન કોમ્યુનિટી હોલ નજીક સામાન્ય રીતે લોકોની અવરજવર રહે છે. દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. નજીકમાં લોકોનું ટોળું એકત્ર થયેલું જોઈ કર્મચારીઓએ ત્યાં જવાનું કારણ જાણવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ખાડીના પાણીમાં નવજાત શિશુનો મૃતદેહ નજરે પડ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી નવજાત બાળકીનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બાળકીની ઓળખ તેમજ તેને અહીં કોણ અને કયા સંજોગોમાં મૂકીને ગયું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ
પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના દૃશ્યોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નજીકની હોસ્પિટલોમાં તાજેતરમાં જન્મેલી બાળકીઓ અંગેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આ તપાસના આધારે નવજાત બાળકીના પરિવાર સુધી પહોંચવામાં મદદ મળી શકે છે.
હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે અને બાળકીના મૃતદેહને ખાડીમાં કોણે ફેંક્યો તે અંગેના પ્રશ્નોના જવાબ શોધવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે