
નવસારી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી ખાતે નિર્મિત નૂતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)નું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સી. આર. પાટીલજીએ જણાવ્યું હતું કે ચીખલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ઉત્તમ અને આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે જ મળી રહે તે હેતુથી આ અત્યાધુનિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ શરૂ થતાં સ્થાનિક નાગરિકોને સારવાર માટે દૂર જવાની જરૂર નહીં પડે અને તેમને મોટી રાહત મળશે.
લોકાર્પણ સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરિયા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, કલેક્ટર મનીષ ગુરવાની તથા જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે