
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ) એ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ની આ વર્ષે જૂનમાં યોજાયેલી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (નેટ) ના ત્રણ વિષયોની પુનઃપરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર કરી છે. આનાથી ઉમેદવારોને તે શહેરોની માહિતી મળી શકશે, જ્યાં તેમને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ પુનઃપરીક્ષા અંગ્રેજી, વાણિજ્ય શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર માટે આયોજિત કરવામાં આવશે. ઉમેદવારો તેમની પરીક્ષાનું શહેર યુજીસી-નેટના સત્તાવાર પોર્ટલ પર જઈને જોઈ શકે છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સ્લિપ ડાઉનલોડ કરી લે અને પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખે. એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત વિગતવાર માહિતી પછીથી જાહેર કરવામાં આવશે. એનટીએ અનુસાર અંગ્રેજી અને વાણિજ્યની પુનઃપરીક્ષા આગામી 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. અંગ્રેજીની પરીક્ષા સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી અને વાણિજ્ય વિષયની પરીક્ષા તે જ દિવસે બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. તેના પછીના દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ સમાજશાસ્ત્રની પરીક્ષા સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એનટીએ એ યુજીસી-નેટ જૂન 2026 ની પરીક્ષા 22 થી 30 જૂન વચ્ચે 87 વિષયોમાં આયોજિત કરી હતી. જોકે, આ ત્રણેય વિષયોના પ્રશ્નપત્રોમાં ભૂલો જોવા મળ્યા બાદ પુનઃપરીક્ષા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. એનટીએ મુજબ, આ ત્રણ વિષયોના જે ઉમેદવારો ફરીથી પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તેમની પાસેથી કોઈ વધારાનો પરીક્ષા શુલ્ક લેવામાં આવશે નહીં. અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોને લઈને મોટી સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ ખુદ એનટીએ એ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિના અહેવાલ બાદ એનટીએ એ આ ત્રણેય વિષયોની પરીક્ષા ફરીથી કરાવવાનો નિર્ણય લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ