
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને, બુધવારે સેશેલ્સની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અઝારેલ અર્નેસ્ટાએ પ્રતિનિધિમંડળ સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને પક્ષોએ ભારત અને સેશેલ્સ વચ્ચે સંસદીય સહયોગ, લોકતાંત્રિક મૂલ્યો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી.
બેઠકમાં આરોગ્ય, ડિજિટલ પરિવર્તન, માળખાકીય સુવિધાઓ અને નવીનીકરણીય ઊર્જા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર-વિમર્શ થયો. બંને નેતાઓએ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયેલી બેઠકને ભારત-સેશેલ્સના સંસદીય સંબંધોને નવી દિશા આપનારી મહત્વપૂર્ણ તક ગણાવી.
બિરલાએ સેશેલ્સના પ્રથમ મહિલા સ્પીકર તરીકે લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવા માટે અર્નેસ્ટાના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ભારત અને સેશેલ્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ તથા સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થવા પર તેમને અભિનંદન પાઠવ્યા.
બિરલા અને અર્નેસ્ટાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની સેશેલ્સ યાત્રા અને ત્યાંની સંસદમાં તેમના સંબોધનથી બંને દેશોના સંબંધોને મળેલી નવી ઊર્જા પર પ્રસન્નતા વ્યક્ત કરી. બિરલાએ બંને દેશોની સંસદો વચ્ચે સંસદીય સહયોગ વધારવા અને લોકતાંત્રિક મૂલ્યોના સહિયારા વારસાને મજબૂત કરવા પર ભાર મૂક્યો.
બિરલાએ સેશેલ્સના સાંસદોને ભારતીય સંસદની મુલાકાત લેવા અને દેશની સમૃદ્ધ લોકતાંત્રિક વ્યવસ્થાને નજીકથી સમજવા માટે આમંત્રિત કર્યા. તેમણે સેશેલ્સના સાંસદોને ભારતીય સંસદીય વ્યવસ્થા, સમિતિ પ્રણાલી અને સંસદ પુસ્તકાલયથી પરિચિત કરાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો.
તેમણે પ્રતિનિધિમંડળને ભારતીય સંસદમાં ટેકનોલોજી, નવીનતા, ડિજિટલ સંસદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) ના ઉપયોગથી આવેલા બદલાવો વિશે માહિતી આપી. બિરલાએ સંસદીય ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં પ્રાઇડના માધ્યમથી ભારતના અનુભવોને સેશેલ્સ સાથે શેર કરવાની વાત કરી અને સેશેલ્સના સાંસદો અને અધિકારીઓને પ્રાઇડના તાલીમ કાર્યક્રમોનો લાભ લેવાનું સૂચન કર્યું.
બંને પક્ષોએ સંસ્કૃતિ, શિક્ષણ અને પર્યટન દ્વારા બંને દેશો વચ્ચેના જનસંપર્કને વધુ મજબૂત કરવા તથા વૈશ્વિક દક્ષિણ (ગ્લોબલ સાઉથ) ના અવાજને પ્રભાવી બનાવવા માટે સાથે મળીને કામ કરવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી.
બિરલાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સેશેલ્સને ભારતના વિશ્વસનીય ભાગીદાર ગણાવતા ‘વિઝન મહાસાગર’માં તેની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય બહુપક્ષીય મંચો પર પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સહયોગ વધારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ