
બોટાદ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ બરવાળા શહેરી વિસ્તારમાં ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર માટે હેન્ડ હેલ્ડ X-ray દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કુલ 81 લોકોના X-ray લેવામાં આવ્યા હતા.
ટીબીના સંભવિત દર્દીઓની વહેલી તકે ઓળખ થાય અને જરૂરી સારવાર સમયસર મળી રહે તે હેતુથી આ સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવી હતી. હેન્ડ હેલ્ડ X-ray ટેક્નોલોજીના ઉપયોગથી સ્થળ પર જ લોકોના X-ray લેવામાં આવતા આરોગ્યકર્મીઓ માટે તપાસ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની હતી.
કામગીરી દરમિયાન લેવામાં આવેલા તમામ 81 X-ray રિપોર્ટ માટે AI સિસ્ટમ પર અપલોડ કરવામાં આવ્યા હતા. AI આધારિત વિશ્લેષણથી X-rayના પરિણામોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જેથી સંભવિત શંકાસ્પદ કેસોની ઓળખ કરી આગળની જરૂરી આરોગ્યલક્ષી કાર્યવાહી કરી શકાય.
આ સમગ્ર કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સંકલનપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. X-ray લેવા, લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવા તેમજ તમામ X-ray AI સિસ્ટમ પર અપલોડ કરવાની પ્રક્રિયામાં દરેક કર્મચારીએ સહયોગ આપ્યો હતો.
ટીબી નિયંત્રણના અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આવી સ્ક્રીનિંગ કામગીરી મહત્વપૂર્ણ સાબિત થાય છે. સમયસર તપાસ થવાથી સંભવિત ટીબીના દર્દીઓને વહેલી તકે સારવાર સાથે જોડી શકાય છે અને રોગના ફેલાવાને અટકાવવામાં પણ મદદ મળે છે.
બરવાળા શહેરી વિસ્તારમાં હાથ ધરાયેલી આ કામગીરી કર્મચારીઓના સહયોગ અને સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA