
બોટાદ, 20 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના ૫૪ વર્ષીય ખેડૂત લક્ષ્મણભાઈ ચીકાભાઈ કાગળીયાએ રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક કૃષિ તરફ વળીને ખેતી ક્ષેત્રે નવો માર્ગ અપનાવ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરીને તેઓ ખેતીમાં સવા બે ગણો નફો મેળવી રહ્યા હોવાનું જણાવે છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થવાની સાથે જમીનની ફળદ્રુપતા જાળવવામાં પણ મદદ મળી રહી છે.
લક્ષ્મણભાઈના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જાણકારી તો છે, પરંતુ નવી પદ્ધતિ અપનાવવામાં હજુ પણ સંકોચ જોવા મળે છે. શરૂઆતમાં પદ્ધતિ બદલવા અંગે અસમંજસતા રહે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને અનુભવ બાદ તેના ફાયદા સમજાય છે. તેઓ ગાય આધારિત ખેતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન લે છે.
રાસાયણિક ખાતરો અને દવાઓ પાછળ થતો ખર્ચ ઘટતાં ખેતીનો કુલ ખર્ચ ઓછો કરવામાં મદદ મળી છે. પરિણામે ઉત્પાદનમાંથી મળતી આવક અને નફામાં વધારો થયો હોવાનું લક્ષ્મણભાઈ જણાવે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા સુધારવા ઉપરાંત ખેતીમાં લાંબા ગાળે ટકાઉપણું લાવી શકાય તેવો તેમનો અનુભવ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA