
કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત ગાગોદર પોલીસે વેકરા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 19 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન, મોટરસાયકલો, કાર સહિત કુલ રૂ.7.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ બાતમીદારોના નેટવર્ક મારફતે સતત નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ગાગોદર પોલીસને વેકરા ગામની સીમમાં આવેલી ભક્તા વાડીના પતરાના શેડ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
માહિતીના આધારે ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. હુણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમને જોઈ જુગાર રમતા શખ્સોમાં અફરાતફરી સર્જાઈ હતી. કેટલાક લોકોએ હાથમાં રહેલા ગંજીપાના ફેંકીને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ ટીમે સ્થળને ચારેય તરફથી ઘેરી લેતા કુલ 19 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.1,10,030 રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત રૂ.52,500ની કિંમતના 12 મોબાઈલ ફોન, અંદાજે રૂ.3.20 લાખની કિંમતની 10 મોટરસાયકલ તથા રૂ.2.50 લાખની કિંમતની એક સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી હતી. જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાના સહિત કુલ રૂ.7,32,530નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં હરીસિંહ જેરૂભા વાઘેલા, અખાભાઈ ભીમાભાઈ મકવાણા, રમેશભાઈ વેલાભાઈ ઝાલા, અજીતભાઈ માદેવાભાઈ પરમાર, સુનીલ પ્રભુભાઈ કોલી, પ્રવિણભાઈ મોમાયાભાઈ પરમાર, રમેશભાઈ ખીમાભાઈ મકવાણા, રણજીત સુરાજી પરમાર, વિપુલ સામજી પરમાર, હિતેશ દુદાભાઈ પરમાર, વિહાભાઈ પરબતભાઈ રાજપુત, પ્રવિણ ભીમજીભાઈ પરમાર, વીરાભાઈ રાધાભાઈ પરમાર, કિરણ વિશાભાઈ રાઠોડ, ગાંગાભાઈ રાણાભાઈ પરમાર, સામતાભાઈ નામેરીભાઈ મકવાણા, સતિષ પરબત રાઠોડ, સંજય પ્રભુભાઈ કોલી અને શિવભા દલાજી પરમારનો સમાવેશ થાય છે.પોલીસે ઝડપાયેલા તમામ 19 શખ્સો સામે જુગાર સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના હેઠળ કરવામાં આવી હતી. ગાગોદર પોલીસની આ કાર્યવાહીથી વેકરા વિસ્તારમાં ચાલતી જુગાર પ્રવૃત્તિ પર પોલીસની કડક નજર હોવાનો સંદેશ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar