


કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા તાલુકાના સાડાઉ ગામે સરકારી જમીન પર થયેલા વાણિજ્યિક દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતે 2500 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. દબાણ હટાવ્યા બાદ આ જમીનનો કબજો સરકાર તરફથી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સાડાઉ ગામની સરકારી સર્વે નંબર 271ની કુલ 2500 ચોરસ મીટર જમીન પર વાણિજ્યિક હેતુથી દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે મુંદરાના મામલતદાર દ્વારા જ.મ.કા.ક.-61 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત પક્ષને પોતાની રજૂઆત કરવા માટે પૂરતી તક આપવામાં આવ્યા બાદ વાદગ્રસ્ત સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
સરકારી જમીનના જંત્રી દર મુજબ ગણતરી કરવામાં આવે તો દબાણ હેઠળની 2500 ચોરસ મીટર જમીનની વાણિજ્યિક કિંમત આશરે રૂ.33.65 લાખ થાય છે. આથી મહત્વની સરકારી જમીનને દબાણમુક્ત કરાવવાની કાર્યવાહી તંત્ર માટે નોંધપાત્ર માનવામાં આવી રહી છે.
તા.19 સપ્ટેમ્બર, 2026ના રોજ તંત્રની ટીમ દ્વારા સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર કચ્છ અનિલ રાણાવસિયા અને મુંદરાના પ્રાંત અધિકારી અભિષેક સિન્હાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કે.એસ. ગોંદિયાની ટીમ સ્થળ પર હાજર રહી હતી. કાર્યવાહી દરમિયાન દબાણકર્તાઓ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું હતું.
દબાણ દૂર થયા બાદ સંબંધિત 2500 ચોરસ મીટર સરકારી જમીનનો કબજો સરકાર તરફથી મેળવી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સાડાઉ ગામમાં સરકારી જમીનના જતન અને તેના પરના અનધિકૃત દબાણ સામે વહીવટી તંત્રની કાર્યવાહી ફરી એકવાર સામે આવી છે. વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા બાદ સરકારી જમીન પરત મેળવવામાં આવતા હવે આ જમીનનો ઉપયોગ સરકારના નિયમો અને હેતુ મુજબ થઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar