નાની પાણીયાળી ગામે ‘પુસ્તક પરબ’નું આયોજન, ગ્રામજનોમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ
ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)ગ્રામજનો અને બાળકોમાં પુસ્તકો પ્રત્યે રસ-રુચિ કેળવાય તેમજ વાંચનની ટેવ વિકસે તેવા હેતુ સાથે કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોટી પાણીયાળી દ્વારા પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામે ‘પુસ્તક પરબ’નું આયોજન કરવામાં આવ્યું
પુસ્તક પરબ નું આયોજન


ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)ગ્રામજનો અને બાળકોમાં પુસ્તકો પ્રત્યે રસ-રુચિ કેળવાય તેમજ વાંચનની ટેવ વિકસે તેવા હેતુ સાથે કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોટી પાણીયાળી દ્વારા પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામે ‘પુસ્તક પરબ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

પુસ્તક પરબ દરમિયાન વિવિધ વિષયોને આવરી લેતાં પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય, વિજ્ઞાન, જીવનચરિત્ર, બાળવાર્તાઓ તેમજ વિવિધ જ્ઞાનવર્ધક પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો અને બાળકોને પોતાની પસંદગીના પુસ્તકો વાંચવા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

આ આયોજનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને બાળકો તથા યુવાનોમાં જ્ઞાન મેળવવાની ઉત્સુકતા વધારવાનો હતો. પુસ્તક પરબમાં ગામના બાળકો, યુવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ પ્રકારનાં પુસ્તકો નિહાળી લોકોએ રસપૂર્વક વાંચનનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન પુસ્તકના મહત્વ અને વાંચનથી વ્યક્તિના જ્ઞાન તથા વ્યક્તિત્વ વિકાસમાં થતી અસર અંગે પણ જાગૃતિ કેળવાઈ હતી. બાળકોમાં વાર્તા અને જ્ઞાનવર્ધક પુસ્તકો પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગ્રામજનોએ શાળા દ્વારા કરવામાં આવેલા આ નવતર અને પ્રેરણાદાયી પ્રયાસને આવકાર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પુસ્તકને લોકો સુધી પહોંચાડવા તથા વાંચન માટેનું વાતાવરણ ઊભું કરવા બદલ શાળાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

‘પુસ્તક પરબ’ જેવા આયોજનો થકી બાળકો અને ગ્રામજનોમાં વાંચનની ટેવ વધુ મજબૂત બને અને જ્ઞાનપ્રાપ્તિ તરફ નવી દિશા મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande