
ભાવનગર,20 સપ્ટેમ્બર (હિ.સ.)ઉમરાળા તાલુકાના રેવા ગામથી સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામને જોડતા માર્ગ પર અવરજવરમાં અડચણરૂપ બનેલા બાવળ સહિતનાં ઝુંડ દૂર કરવામાં આવતાં રાહદારીઓ અને વાહનચાલકોને રાહત મળી છે. માર્ગની બંને બાજુ ઊગી નીકળેલા બાવળનાં ઝાડ અને ઝાંખરાના કારણે રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી સર્જાતી હતી.
સ્થાનિક કાર્યકર્તાઓ વિઠ્ઠલભાઈ કંટારિયા, રમેશભાઈ બાવળિયા અને રૂપાભાઈ ખુશર દ્વારા માર્ગ પરની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે અગ્રણી અશોકભાઈ આહિર દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી માર્ગ પરની અડચણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન રેવા–ઈશ્વરિયા માર્ગ પર વધેલા બાવળના ઝુંડ અને અન્ય વનસ્પતિને દૂર કરવામાં આવી હતી. જેના કારણે લાંબા સમયથી સાંકડો અને અવરજવરમાં મુશ્કેલીરૂપ બનતો માર્ગ ફરી ખુલ્લો થયો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો, ચારચક્રી વાહનચાલકો તેમજ પગપાળા પસાર થતા લોકો માટે માર્ગ વધુ સરળ બન્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર બાવળનાં ઝુંડ વધવાને કારણે સામેથી આવતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. કેટલીક જગ્યાએ વાહનચાલકોને રસ્તાની બાજુથી પસાર થવાની ફરજ પડતી હતી. હવે ઝુંડ દૂર થતાં વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે.
માર્ગ પરથી અડચણો દૂર થતાં રેવા અને ઈશ્વરિયા સહિત આસપાસના ગામોના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા માર્ગની સ્વચ્છતા અને જાળવણી નિયમિત રહે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA