
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આગામી તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૯ ઓક્ટોબર દરમિયાન સેવાસેતુ કાર્યક્રમના આઠમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત તાલુકાના ૮ જુદા જુદા ક્લસ્ટર ખાતે વિશેષ કૅમ્પ યોજીને ૬૫થી વધુ ગામોના નાગરિકોને વિવિધ સરકારી યોજનાકીય લાભો તથા જરૂરી પ્રમાણપત્રો સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સેવાસેતુ કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા જામજોધપુર મામલતદારની યાદી મુજબ, પ્રથમ કૅમ્પ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ કલ્યાણપુર ગામે સુભાષભાઈ મનજીભાઈના પ્લોટ ખાતે યોજાશે, જેમાં ભરડકી, કલ્યાણપુર, ભરડ મોટી, મેથાણ, જસાપર, ધ્રાફા, ગોરખડી, આંબરડી જામ, આંબરડી ભુપત અને ચિરોડા મુળુજી ગામનો સમાવેશ થાય છે. ત્યારબાદ તા.૨૪ સપ્ટેમ્બરના રોજ સડોદર તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કૅમ્પમાં લલોઈ, સખપુર ધ્રાફા, વાલાસણ, સડોદર, ચિરોડા સંગ, બગધરા, માડાસણ અને બુટાવદર ગામના લોકો લાભ મેળવી શકશે.
તા.૨૯ સપ્ટેમ્બરના રોજ મોટા વાડિયા આહિર સમાજવાડી ખાતે યોજાનાર કાર્યક્રમથી વેરાવળ, બમથીયા, ભોજાબેડી, હોથીજી ખડબા, સોન વડીયા, મોટા વડીયા, રબારીકા, લલોઈ અને ઇશ્વરીયા ગામના લોકોને આવરી લેવાશે. તા.૧ ઓક્ટોબરના રોજ ઝીણાવારી ગામે સગર સમાજની વાડી ખાતે કૅમ્પ યોજાશે, જેમાં કરશનપર, મોટી ગોપ, ઝીણાવારી, ઘેલડા, ધુનડા, કોઠા વિઝડી અને મેઘપર ગામના નાગરિકો સેવાઓ મેળવી શકશે.
આગળના તબક્કામાં તા.૩ ઓક્ટોબરના રોજ કડબાલ માધ્યમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાશે, જેનાથી આંબરડી ડેરી, નંદાણા, વનાણા, આંબરડી મેઘપર, કડબાલ, મેલાણ, ગઢકડા અને આંબરડી મેવાસા ગામના લોકોને સુવિધા મળશે. તા.૫ ઓક્ટોબરના રોજ વાંસજાળીયાના શ્રી સ્વરૂપધામ (પી.એચ.સી. બાજુમાં) ખાતે યોજાનાર કૅમ્પમાં સખપુર, તરસાઈ, વાંસજાળીયા, ઉદેપુર, સતાપર, વડવાળા, મહીકી, પાટણ, અમરાપર, પરડવા અને નાળીયેરો નેસના રહીશો લાભ લઈ શકશે.
તા.૭ ઓક્ટોબરના રોજ વસંતપુરમાં શ્રી રામ મંદિર (ગરબીચોક પાસે) ખાતે કૅમ્પ યોજાશે, જેમાં ચુર, બાલવા, માલવડા, સિદસર, જામવાળી, ગીંગણી, બાવીસી કોટડા અને વસંતપુર ગામના લોકોનો સમાવેશ કરાયો છે. અંતિમ કૅમ્પ તા.૯ ઓક્ટોબરના રોજ નરમાણા ખાતે શ્રી પટેલ સમાજ (બસ સ્ટેન્ડ બાજુમાં) યોજાશે, જેમાં વીરપુર, બાવડીદડ, સમાણા, લુવારસર, દલદેવળીયા, નરમાણા, સોગઠી અને શેઠવડાળા ગામના લોકોને ઉપસ્થિત રહીને સેવાસેતુ કૅમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt