
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), જામનગર ખાતે શૈક્ષણિક સત્ર 2026-27 માટે વિવિધ વ્યવસાયિક ટ્રેડ્સમાં ખાલી રહેલી બેઠકો માટે ચોથા તબક્કા પછી અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે.
ખાસ કરીને મિકેનિકલ - ઓટોમોબાઈલ ગ્રૂપના વિવિધ ટ્રેડ જેવા કે મશીનિસ્ટ, ડ્રાફ્ટમેન મિકેનિકલ, ટર્નર અને MTTW વગેરેમાં બાકી રહેલી જુજ બેઠકો ભરવા માટે આ નિર્ણય લેવાયો છે, જેથી ટેકનિકલ શિક્ષણ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને આત્મનિર્ભર બનવા અને ઉજ્જવળ રોજગારીની તકો પ્રાપ્ત કરવાનો આખરી અવસર મળી રહે.
આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે 'વહેલા તે પહેલા' ના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ ઉમેદવારોના યોગ્ય માર્ગદર્શન અને સુવિધા માટે આઈ.ટી.આઈ. જામનગર સંસ્થા ખાતે ખાસ વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ હેલ્પ સેન્ટર ખાતેથી ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ઓનલાઈન ફોર્મ પણ વિનામૂલ્યે ભરી આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરીને આ સુવિધાનો સીધો લાભ મેળવી શકશે.
વર્તમાન ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ ટેકનિકલ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન દ્વારા સ્વરોજગાર અને નોકરીની ઉત્તમ તકો મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જણાવાયું છે.
હજુ સુધી પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ લાયક ઉમેદવારોએ સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે એટલે કે 22 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt