
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ લોકપ્રશ્નોના ત્વરિત અને સમયસર નિકાલ માટે અધિકારીઓને પરસ્પર સંકલન જાળવીને હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ જનહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન માર્ગ સલામતી, સ્પીડ બ્રેકર, બસ સ્ટેન્ડ અને નવા બસ રૂટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગનું જમીન સંપાદન વળતર, રમતગમતના મેદાનો, શાળાઓમાં લર્નિંગ કીટ તથા રમતગમતના સાધનોની ફાળવણી, નવા વીજ જોડાણો, માછીમારોના ડીઝલ કાર્ડ અને કે.સી.સી. ધિરાણ, આવાસ યોજનાના હપ્તા, મકાનોનું રેગ્યુલરાઈઝેશન, જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડ જેવા મહત્વના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત રી-સર્વે માપણીની ભૂલો સુધારવા, પીવાના પાણીની નવી ટાંકીઓ બનાવવા, ટેલિકોમ નેટવર્ક સુધારવા, ચેકડેમ સમારકામ, સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવા, ગૌચર જમીન માપણી, ગ્રામતળ પ્લોટ ફાળવણી અને સિંચાઈ સંબંધિત બાબતોની વિગતવાર ચર્ચા થઈ હતી. કલેક્ટરે મહેસૂલ, પાણી પુરવઠો, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન, પંચાયત તથા વીજળી જેવા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપી ઝડપથી પૂર્ણ કરવા અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે મુજબ સંકલનમાં રહી કાર્ય કરવા ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt